નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.). પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વિશ્વના ઘણા દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. ઘણા દેશોના વડાઓ અને વડા પ્રધાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. નિર્દોષ નાગરિકોના મૃત્યુ પર દરેક વ્યક્તિએ ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યો છે અને આ હુમલાની સખત નિંદા કરી છે.
આજે, શ્રીલંકા, યુકે અને નેધરલેન્ડના નેતાઓએ પ્રધાનમંત્રી સાથે વાત કરી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એ, વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે આ હુમલાને એક જઘન્ય આતંકવાદી કૃત્ય ગણાવ્યું. તેમણે ભારત સાથે એકતા વ્યક્ત કરી. આતંકવાદ સામે સંયુક્ત લડાઈ માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર એ, પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી. તેમણે આ હુમલાને બર્બર અને અમાનવીય ગણાવ્યો. તેમણે ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આ સંકટની ઘડીમાં બ્રિટન ભારતની સાથે છે.
નેધરલેન્ડના વડા પ્રધાન ડિક સ્કોફે, વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. તેમણે આ હુમલાને સરહદ પારનો આતંકવાદી હુમલો ગણાવ્યો. તેમણે તેને કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય ગણાવ્યું. તેમણે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં નકારી કાઢ્યો. પ્રધાનમંત્રી મોદીએ, આ દેશોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે, ભારત વૈશ્વિક આતંકવાદ સામે સાથે મળીને કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 13 દેશોના નેતાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. આમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નેપાળ, મોરેશિયસ, ઇઝરાયલ, જોર્ડન, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, ઇજિપ્ત, નેધરલેન્ડ, બ્રિટન અને શ્રીલંકાના નેતાઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ