વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 મે (હિ.સ.) યુનાઇટેડ સ્ટેટ્સની બહારના દેશોના યુવાનો હવે ઉચ્ચ શિક્ષણ માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશે નહીં. કેટલાક સમયથી ચાલી રહેલા સંઘર્ષ પછી, ટ્રમ્પ વહીવટીતંત્રે આખરે ગુરુવારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની હાર્વર્ડ યુનિવર્સિટીની લાયકાત રદ કરી દીધી. આનાથી અમેરિકાની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાને આઘાત લાગ્યો છે.
સીએનએન ચેનલના સમાચાર અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિગત માંગણીઓ સામે ઝૂકવાનો ઇનકાર કરવા બદલ હાર્વર્ડ યુનિવર્સિટીને આકરી સજા મળી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્વર્ડ હવે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને હાલના વિદેશી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવી પડશે અથવા તેમનો કાનૂની દરજ્જો ગુમાવવો પડશે.
ગૃહ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમે તેમના વિભાગને હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિનિમય મુલાકાતી કાર્યક્રમનું પ્રમાણપત્ર સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, ગૃહ સુરક્ષા વિભાગ એ ગયા મહિને, હાર્વર્ડને વિદેશી વિદ્યાર્થીઓના વર્તનનો રેકોર્ડ સમન કરવા વિનંતી કરી હતી. હાર્વર્ડે આ રેકોર્ડ વિભાગને સોંપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણય પર, અહીંના પ્રોફેસરોએ જણાવ્યું હતું કે, હાર્વર્ડ હાલમાં તેની વૈચારિક સ્વાયત્તતા માટે વહીવટ સાથે સીધી લડાઈ લડી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, વિદેશી વિદ્યાર્થીઓનું મોટા પાયે સ્થળાંતર સંસ્થાની શૈક્ષણિક ક્ષમતાને નુકસાન પહોંચાડવાનો ભય છે.
વ્હાઇટ હાઉસે ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું, વિદેશી વિદ્યાર્થીઓનું પ્રવેશ એક વિશેષાધિકાર છે. તે અધિકાર નથી. ઉપરાંત, હાર્વર્ડે તેની મહાનતા ગુમાવી દીધી છે. કેમ્પસ અમેરિકા વિરોધી, યહૂદી વિરોધી અને આતંકવાદ સમર્થક આંદોલનકારીઓનું કેન્દ્ર બની ગયું છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્વર્ડ દેશના વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર કરતી પ્રવૃત્તિઓને રોકી શક્યું નથી. હવે તેને આ શિથિલતાની કિંમત ચૂકવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, હાર્વર્ડ યુનિવર્સિટીના અધિકારીઓ અને ટ્રમ્પ વહીવટીતંત્ર મહિનાઓથી સંઘર્ષમાં ફસાયેલા છે. વહીવટીતંત્રે વારંવાર યુનિવર્સિટીને કેમ્પસ પ્રોગ્રામિંગ, નીતિઓ, ભરતી અને પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કરવા કહ્યું છે, જેથી કેમ્પસમાંથી યહૂદી વિરોધીતાને જડમૂળથી ઉખાડી શકાય. વહીવટીતંત્રનો દાવો છે કે, ઇઝરાયલ-હમાસ યુદ્ધને લઈને કેમ્પસમાં વિરોધ પ્રદર્શનોનો સિલસિલો હજુ બંધ થયો નથી. યુનિવર્સિટી નેતૃત્વનો તર્ક છે કે, તેના વિદ્યાર્થીઓ અને સ્ટાફના મંતવ્યોનું મૂલ્યાંકન ફેડરલ સરકારની ભૂમિકા કરતાં ઘણું આગળ છે. કોઈ પણ હાર્વર્ડના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં. હાર્વર્ડ દરેક કિંમતે તેની શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ કરશે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ વહીવટની આકરી ટીકા કરી છે. યુનિવર્સિટીના પ્રવક્તા જેસન ન્યૂટને, આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી 140 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને આશ્રય આપવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પ વહીવટીતંત્રની બદલાની કાર્યવાહી હાર્વર્ડ સમુદાય અને અમેરિકાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે, હાલમાં યુનિવર્સિટીમાં 9,970 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 2024-25 શૈક્ષણિક વર્ષમાં 6,793 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ