ગીર સોમનાથ, 1 જૂન (હિ.સ.) ઓપરેશન શિલ્ડ અન્વયે વેરાવળ કૉસ્ટગાર્ડ ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે ડ્રોન એટેક થયો હોવાનો સંદેશ મળતા જ જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી ફાયર, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોને જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં જ પાંચ મિનિટની અંદર જ ઘટના સ્થળે રેસ્ક્યૂ અને રીલીફ માટે વિવિધ વિભાગના અધિકારીઓ પોતાના વાહનો સાથે ઘટનાસ્થળે ધસી આવ્યા હતાં.
આ મેસેજ મળતા જ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપીને બચાવ રાહતની કામગીરી ઝડપી બનાવી હતી.
આ દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશીએ એમ્બ્યુલન્સની સાયરનો વચ્ચે ઈજાગ્રસ્ત લોકોને ડાભોર ખાતે રાખવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની કામગીરીની સૂચનાઓ માઇક દ્વારા પૂરી પાડીને ફાયર અને આરોગ્ય વિભાગની ટીમને માર્ગદર્શિત કરી હતી.
આમ સમગ્રતયાં, વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓની સક્રિય ભાગીદારીના કારણે પ્રતિકરૂપે યોજાયેલા ડ્રોન એટેકને સારી રીતે હેન્ડલ કરી શકાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ