તેલ અવીવ/ગાઝા, 01 જૂન (હિ.સ.) ઇઝરાયલી સંરક્ષણ દળ (આઈડીએફ) એ પુષ્ટિ આપી છે કે, 13 મેના રોજ ગાઝાના દક્ષિણ
ક્ષેત્ર ખાન યુનિસમાં એક અત્યંત સચોટ હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ નેતા મુહમ્મદ
સિનવારનું મોત થયું હતું. આ હુમલામાં ૩૦ સેકન્ડમાં 5૦ થી વધુ બોમ્બ ફેંકવામાં
આવ્યા હતા.
આઈડીએફ અનુસાર, આ હુમલો ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલ હેઠળ ફેલાયેલા
હમાસના ભૂગર્ભ ટનલ નેટવર્ક અને કમાન્ડ સેન્ટરને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો હતો.
સિનવાર ઉપરાંત, રફાહ બ્રિગેડ
કમાન્ડર મુહમ્મદ શબાના અને સાઉથ ખાન યુનિસ બટાલિયન કમાન્ડર મહદી ક્વારા પણ
હુમલામાં માર્યા ગયા હતા. સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે, બધી મિસાઇલો સચોટ હતી
અને હોસ્પિટલને કોઈ નુકસાન થયું નથી.
આ પુષ્ટિ પછી, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે એક કડક નિવેદન જારી
કર્યું. તેમણે કહ્યું, “હવે સત્તાવાર
રીતે કહી શકાય કે, હત્યારા મુહમ્મદ સિનવારને રફાહ બ્રિગેડના વડા મુહમ્મદ શબાના અને
તેના સાથીઓ સાથે માર્યો ગયો હતો. તેને તેના ભાઈ પાસે નર્કના દરવાજા પર મોકલી
દેવામાં આવ્યો છે.”
કાત્ઝે વધુમાં ચેતવણી આપી, “હમાસ ગાઝા સિટીના કમાન્ડર ઇઝ અલ-દીન હદ્દાદ અને
વિદેશમાં નેતા ખલીલ અલ-હૈયા અને તેના અન્ય સાથીઓ પણ તૈયાર રહે, તમે આગળની
લાઇનમાં છો.”
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ