પાટણ, 27 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના મહેમદપુર ગામે આવેલી મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર ભદ્રેશકુમાર દવે (ઉ.વ. 35) સાથે લૂંટનો બનાવ બન્યો છે. તેઓ પેટ્રોલ પંપની દિવસની આવક રૂ. 89,000 લઈ પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે ગદોસણ ગામ નજીક દશા માતાના મંદિર પાસે ચાર અજાણ્યા શખ્સોએ તેમને રોકી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ તેમની બાઈક સાઈડમાં લાવી તેની ચાવી કાઢી લીધી હતી. એક શખ્સે છરી બતાવી ભદ્રેશભાઈને પકડી રાખ્યા હતા.
આ આરોપીઓ બાઈકના હુકમાં રાખેલી રોકડ ભરેલી બેગ છીનવી લઈ ગયા. બેગમાં રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન, પેટ્રોલ પંપની ચાવી અને અન્ય મહત્વના દસ્તાવેજો પણ હતા. ભદ્રેશભાઈ લૂંટારુઓની પકડમાંથી છૂટીને હાઈવે તરફ દોડી ગયાં અને બચાવ માટે બૂમો પાડી.
ઘટના સમયે સ્વિફ્ટ કાર અને બાઈક ચાલકે તેમની મદદ કરી. બાદમાં ભદ્રેશભાઈએ પિતા તેમજ પેટ્રોલ પંપના માલિક કૃણાલ પટણીને જાણ કરી. પાટણ તાલુકા પોલીસ મથકે ચાર અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર