સુરત, 3 જૂન (હિ.સ.)-સુરત શહેરમાં એક મહિલાની ભૂલને પગલે, ચાર લાખ રૂપિયાની કિંમતી બેગ ખોવાઈ ગઈ હતી, પરંતુ ઉધના પોલીસ સ્ટેશનની સતર્ક સર્વેલન્સ ટીમે ઓટોરિક્ષાની ઓળખ કરીને અફાટ મહેનત બાદ બહુજ ઓછા સમયમાં બેગ શોધી કાઢી અને મહિલાને સોંપી હતી.
કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ (ઉમર 40), રહેવાસી સહજાનંદ સોસાયટી, લિંબાયત, પોતાના બહેનને મળવા નવસારી જવા માટે ગોડાદરા કઠીમહારાજ મંદિર નજીકથી ઓટોરિક્ષામાં બેસી ઉધના બસ સ્ટેશન પહોંચી હતી. પણ બસ સ્ટેશન પર ઉતરતી વખતે તેઓ પોતાની બેગ ઓટોરિક્ષામાં ભૂલી ગઈ હતી. આ બેગમાં કપડાં ઉપરાંત આશરે રૂ. 4 લાખના સોના-ચાંદીના દાગીના પણ હતા.
કવિતાબેને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પો.સબ.ઇન્સ. એમ.કે. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના મનમોહન શીવનારાયણ, ભાવેશભાઈ દુલાભાઈ અને નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહે તરત જ સી.સી.ટી.વી. ફૂટેજની મદદથી સંબંધિત ઓટોરિક્ષાની ઓળખ કરી અને રિક્ષાચાલકના સહકારથી બેગ પત્તા લગાવાઈ.
મહિલાની બેગને અકબંધ સ્થિતિમાં શોધી તેનો કિંમતી સામાન સાથે પરત આપીને પોલીસ ટીમે એક સારી નૈતિકતા અને ચુસ્ત કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિક લોકોએ પણ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે