પાટણ, 28 જુલાઈ (હિ.સ.)રાધનપુર વિધાનસભા વિસ્તારમાં આવેલી મોટી પીપળી આશ્રમશાળા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી. શિબિરમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિબિરનો મુખ્ય હેતુ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તૈયારી તથા રણનીતિ ઘડવાનો હતો.
આ બેઠકમાં રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારના લોકોના પ્રશ્નો સામે અવાજ ઉઠાવવાનું આહવાન કરાયું હતું. ગ્રામ્ય સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે બૂથ મંડળીઓની રચના કરવા અને સંગઠનમાં રહેલી ખાલી જગ્યા પર તત્કાલ નિમણૂકો કરવાની જરૂરિયાત અંગે ચર્ચા થઈ હતી.
અગાઉની નગરપાલિકા ચૂંટણીઓમાં રહેલી ખામીઓ અને નબળાઈઓની વિગતવાર સમીક્ષા કરીને ભવિષ્યમાં તે ખામી ન રહે તેવા પ્રયાસો અંગે ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સમસ્યાઓ ઉકેલવા માટે સબળ વિરોધ પક્ષ તરીકે સક્રિય રહેવાની વાતો પણ ઉઠાવવામાં આવી હતી.
શિબિર અંતે કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે સ્થાનિક સ્તરે સક્ષમ અને નવા નેતૃત્વને આગળ લાવવાનું મહત્વ પણ રેખાંકિત કરવામાં આવ્યું હતું. આ શિબિર દ્વારા કોંગ્રેસે જનતાના મુદ્દાઓને વાચા આપવા માટે વધુ સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર