જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં નાળીયેરીનેશમાં આડા સંબંધમાં ગઢવી સમાજના એક જ કુટુંબના બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં 8 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. બન્ને પક્ષોએ સામ-સામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નાળીયેરીનેશમાં રહેતા નારણભાઈ વાલાભાઈ ટાલીયા (ઉ.વ.46) નામના ગઢવી યુવકના પિતરાઈ ભાઈની પત્નીને કુટુંબના જ અને નજીકમાં જ રહેતા દેવસુર ટાલીયા સાથે આડા સંબંધ હોય અને રાત્રીના બન્ને મળતા જોઈ જતાં ડુખ્ખો થયો હતો અને દેવસુરને સમજાવીને બીજે મોકલી દેવાનું નક્કી થયું હતુ.
પરંતુ સવારમાં નારીયેળીનેશમાં નિશાળ પાસે બન્ને જુથ વચ્ચે લાકડીઓ, લોખંડના પાઈપ વડે મારામારી થતાં બન્ને પક્ષના હરસુરભાઈ, ’ભીમાભાઈ, ડાયાભાઈ અને નારણભાઈ ટાલીયાને તેમજ બીજા પક્ષના કમલેશભાઈ, બીજલભાઈ, સાજણભાઈ અને પાલાભાઈને ઈજા પહોંચી હતી. જે અંગેની નારણભાઈ ટાલીયાએ આરોપી બિજલ લાખાભાઈ ટાલીયા, સાજણ બીજલભાઈ ટાલીયા, કમલેશ આલસુરભાઈ ટાલીયા, આલસુર લાખાભાઈ ટાલીયા, પાલા લાખાભાઈ ટાલીયા, દેવસુર આલસુરભાઈ ટાલીયા, મેસુર કારાભાઈ ટાલીયા અને આલસુર માણસુરભાઈ ટાલીયા સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પાલાભાઈ લાખાભાઈ ટાલીયા (ઉ.વ.45)એ આરોપી નારણ વાલાભાઈ ટાલીયા, ભીમા જીવાભાઈ ટાલીયા, હરસુર જીવાભાઈ ટાલીયા, ડાયા ગોવાભાઈ ટાલીયા, રાણા પુંજાભાઈ ટાલીયા સામે ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT