પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવાનનું અપહરણ કરી તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી.એક્ટ હેઠળ 7 શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદી વિજય હરગોવન દેસાઈ તેમના પિતરાઈ ભાઈ નરેશ સાથે ગાડીમાં હાંસાપુર જઈ રહ્યા હતા, ત્યારે BMW ગાડીમાંથી વિવેક રબારી અને લાલા રબારી લાકડીઓ સાથે બહાર આવી, ફરિયાદીની ગાડીના કાચ તોડી નાખ્યા અને તેને લાકડી વડે માર માર્યો હતો. બાદમાં ફરિયાદીને બળજબરીપૂર્વક એક અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યો હતો, જેમાં બે અજાણ્યા શખ્સો હાજર હતા.
અલ્ટો કારમાં બેસાડી ફરિયાદીને મલ્હાર બંગ્લોઝ પાસે લઈ જવાયા, જ્યાં BMWમાંથી ભુલા રબારી અને પ્રશાંત રબારી પણ આવી પહોંચી. ત્યાં ફરીથી વિવેક રબારીએ ફરિયાદી પર હાથ, પગ અને માથા પર ગંભીર ઈજાઓ થાઈ તે રીતે હુમલો કર્યો હતો. ફરિયાદીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવમાં વિવેકભાઈ હલુભાઈ રબારી, લાલાભાઈ તેજાભાઈ રબારી, ભુલાભાઈ દેવાભાઈ રબારી, પ્રશાંતભાઈ દિનેશભાઈ રબારી, હરેશભાઈ ધમશીભાઈ રબારી અને બે અજાણ્યા શખ્સો સામે IPC કલમ 140(3), 115(2), 324(4), 126(2), 190, 191(2), 191(3) તેમજ જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર