સાત દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેર - જિલ્લામાં મેઘરાજાની ધબડાટી
સુરત, 28 જુલાઈ (હિ.સ.)- હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરત શહેર - જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. મોટા ભાગનાં તાલુકાઓમાં ગણતરીનાં કલાકમાં
વરસાદ


સુરત, 28 જુલાઈ (હિ.સ.)- હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરત શહેર - જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. મોટા ભાગનાં તાલુકાઓમાં ગણતરીનાં કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરત શહેરનાં પણ તમામ ઝોન વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને આજે શ્રાવણ મહિનાં પ્રથમ સોમવારને પગલે મંદિરમાં દર્શના માટે ઉમટેલાં શ્રદ્ધાળુઓ પણ વરસાદની હેલી વચ્ચે ભીંજાવવાનો આનંદ માણતાં નજરે પડ્યા હતા. જ્યારે નોકરી - ધંધા માટે નિકળેલાં વાહન ચાલકોએ નાછૂટકે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

સુરત સહિત નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસોમાં સમગ્ર રાજ્યમાં ભારે ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતાઓ વચ્ચે આજે સવારથી જ સુરત શહેર જિલ્લામાં સર્વત્ર વરસાદનું આગમન જોવા મળ્યું હતું. ફ્લડ કંટ્રોલ વિભાગનાં જણાવ્યા અનુસાર જિલ્લામાં આજે ઉમરપવાડામાં માત્ર ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સિવાય કામરેજમાં 30 મીમી, ચોર્યાસીમાં 15 મીમી, પલસાણા અને બારડોલીમાં એક - એક ઈંચ જ્યારે મહુવામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરત શહેરમાં પણ તમામ ઝોન વિસ્તારમાં નોંધપાત્ર વરસાદને પગલે હવામાન ખુશનુમા બની ગયું હતું.

સુરત શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં દોઢ ઈંચ વરસાદની સાથે રાંદેર ઝોનમાં 18 મીમી, કતારગામમાં 20 મીમી, વરાછા ઝોન - એમાં 21 મીમી, વરાછા ઝોન - બીમાં 28 મીમી, અઠવા ઝોનમાં 19 અને ઉધના ઝોનમાં 29 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપી જિલ્લાનાં વાલોડમાં 29 મીમી, ઉચ્છલમાં 6 મીમી, સોનગઢમાં 41 મીમી, નિઝરમાં 4 મીમી, વ્યારામાં 33 મીમી અને ડોલવણમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર છેલ્લા બે દિવસથી ઘટતાં હાલમાં ઈનફ્લો ઘટીને ચાર હજાર ક્યુસેક પર પહોંચ્યો છે. જો કે, સતત પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની સપાટી 328 ફુટની નજીક પહોંચી જવા પામી છે.

સુરત શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વધુ વખત વાહન ચાલકો ખાસ કરીને ટુવ્હીલર ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. એક તરફ રસ્તાઓ પર ખાડાનાં સામ્રાજ્ય વચ્ચે પીક અવર્સમાં લાંબા ટ્રાફિકજામને પગલે વાહન ચાલકો રીતસરનાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ખાસ કરીને રિંગરોડ અને સહારા દરવાજાથી સારોલી સુધીનાં રસ્તાઓ પર મંથરગતિએ ચાલતાં વાહન વ્યવહારને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande