પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણના મઠવાસ પ્રજાપતિ યુવક મંડળ દ્વારા શનિવારે બહુચરાજી માતાજીની પદયાત્રાનો પ્રારંભ માતાજીની આરતી સાથે થયો. આ પદયાત્રા છેલ્લા 20 વર્ષથી અષાઢ મહિનામાં પાટણથી શંખલપુર બહુચર માતાના મંદિર સુધી યોજાય છે.
યાત્રાના પ્રારંભ પ્રસંગે હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ અને પદ્મનાભ મંદિરના ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 'બોલ મારી બહુચર જય જય બહુચર'ના જયઘોષ સાથે અબીલ-ગુલાલ, ફટાકડાની આતશબાજી અને ભક્તિ સંગીતના સૂરો વચ્ચે યાત્રાનું પ્રસ્થાન થયું.
મંડળના સેવક મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ વર્ષે 100થી વધુ પદયાત્રીઓ જોડાયા છે. યાત્રા દરમિયાન પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન આવે તે માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર