બ્રાઝિલિયા (બ્રાઝિલ), નવી દિલ્હી, 08 જુલાઈ (હિ.સ.). ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમવારે સાંજે (સ્થાનિક સમય) બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા. બ્રાઝિલિયા એરપોર્ટ પર સંરક્ષણ પ્રધાન જોસ મુસિયો મોન્ટેઈરો ફિલ્હો દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી મુલાકાતના છેલ્લા તબક્કામાં 09 જુલાઈએ નામિબિયા જશે. તેઓ નામિબિયાની સંસદને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી, હાલમાં પાંચ દેશોના પ્રવાસે છે. તેઓ પહેલા ઘાના ગયા. આ પછી, તેઓએ કેરેબિયન દેશ - ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લીધી. પ્રવાસના ત્રીજા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી આર્જેન્ટિના ગયા. હવે તેઓ વિદેશ પ્રવાસના ચોથા તબક્કામાં ચાર દિવસ માટે બ્રાઝિલમાં છે. તેમણે રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. ત્યાંથી, તેઓ હવે બ્રાઝિલિયા પહોંચ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સ્વાગત સમારોહમાં બ્રાઝિલના પરંપરાગત સામ્બા રેગે રજૂ કરનારા કલાકારોની પ્રશંસા કરી. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર વડા પ્રધાન મોદી બ્રાઝિલની મુલાકાતે પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી એરપોર્ટથી હોટેલ પહોંચ્યા. તેમણે ત્યાં ભારતીય પ્રવાસીઓનું અભિવાદન કર્યું.
ભારતીય સમુદાયના સભ્યો હોટલની બહાર ભારતીય ધ્વજ સાથે વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા. વડા પ્રધાન મોદીએ, તેમનું સ્વાગત કરવા આવેલા બાળકો સાથે પણ વાતચીત કરી. તેમણે હોટેલમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો પણ નિહાળ્યા.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર જણાવ્યું હતું કે, ભારત-બ્રાઝિલની મજબૂત ભાગીદારીમાં નવા પગલાં ભરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝિલની રાજ્ય મુલાકાતે રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા છે. એરપોર્ટ પર બ્રાઝિલના સંરક્ષણ પ્રધાન જોસ મુસિયો મોન્ટેઈરો ફિલ્હોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પરંપરાગત બ્રાઝિલિયન સામ્બા રેગે પ્રદર્શને સ્વાગતને સંગીતમય બનાવ્યું.
તેમણે કહ્યું કે, આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી, લુઇસ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને લોકો-થી-લોકોના સંબંધો સહિત પરસ્પર હિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ