નેપાળમાં રહેલા તમામ વિદેશી નાગરિકોને તાત્કાલિક સેનાનો સંપર્ક કરવા અપીલ
કાઠમંડુ, નવી દિલ્હી 10 સપ્ટેમ્બર (હિ.સ.): કાઠમંડુ એરપોર્ટ પર અટવાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ખાસ વિમાન મોકલવાની તૈયારી થઈ રહી છે, કારણ કે અહીંનું એરપોર્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. નેપાળની સેનાએ હાલની જટિલ પરિસ્થિતિને કારણે દેશમાં અટવાયેલા વિદેશી નાગરિકોને બચાવ અને મદદ માટે નજીકની સુરક્ષા એજન્સી અથવા તૈનાત સુરક્ષાકર્મીઓનો સંપર્ક કરવા અપીલ કરી છે.
હાલમાં 400થી વધુ ભારતીય નાગરિકો કાઠમંડુ એરપોર્ટ પર અટવાયેલા છે.
ભારત સરકાર પણ પોતાના નાગરિકોની સુરક્ષિત વતન વાપસીના પ્રયાસમાં છે, તેથી એરપોર્ટમાં ગઈકાલથી અટવાયેલા મુસાફરોને પાછા બોલાવવા માટે ભારત સરકાર ખાસ વિમાન મોકલવાની તૈયારી કરી રહી છે.
દિલ્લીથી કાઠમંડુ વિમાન મોકલવા માટે નેપાળી સેનાની સાથે સમન્વય કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ભારતીય વાયુસેનાના બે વિમાન કાઠમંડુ મોકલવા માટે નેપાળી સેનાનો સંપર્ક કર્યો છે.
નેપાળી સેનાએ આજે એક નિવેદનમાં જણાવ્યું કે હાલની અશાંતિ વચ્ચે મદદ અથવા બહાર કાઢવાની રાહ જોઈ રહેલા કોઈપણ વ્યક્તિએ વિલંબ કર્યા વિના સ્થાનિક સુરક્ષા દળો સુધી પહોંચવું જોઈએ। સેનાએ હોટેલ, ટૂર ઓપરેટર અને અન્ય સંબંધિત સંસ્થાઓને પણ અપીલ કરી છે કે તેઓ જરૂરિયાતમંદ વિદેશી મુલાકાતીઓ માટે સમન્વય અને સહાયતા સુવિધા પૂરી પાડે.
નિવેદનમાં જણાવાયું છે કે આ પગલું હાલની પરિસ્થિતિથી પ્રભાવિત તમામ વિદેશી નાગરિકોની સુરક્ષા અને સમયસર સહાયતા સુનિશ્ચિત કરવા માટે છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ