નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ગુરુવારે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં નવો અધ્યાય લખી દીધો છે. ભારતમાં યોજાનારા આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે પહેલીવાર સંપૂર્ણપણે મહિલા અમ્પાયર અને મેચ રેફરી પેનલની નિમણૂક કરવામાં આવી છે.
આ ઐતિહાસિક નિર્ણયનો અર્થ એ છે કે, હવે ટૂર્નામેન્ટના તમામ 31 મુકાબલા મહિલા અમ્પાયર અને મહિલા મેચ રેફરીની દેખરેખ હેઠળ રમાશે. આઈસીસીનું કહેવું છે કે મહિલા ક્રિકેટને સશક્ત બનાવવાની અને રમતગમતમાં લિંગ સમાનતા તરફનું આ મોટું પગલું છે.
આઈસીસી ચેરમેન જય શાહે સત્તાવાર નિવેદનમાં આ નિર્ણયને મહિલા ક્રિકેટના વિકાસનો મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “આ મહિલા ક્રિકેટની સફરનો ઐતિહાસિક ક્ષણ છે. મહિલા અધિકારીઓની આ નિમણૂક માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ તક, દૃશ્યતા અને પ્રેરણા આપવાનો માધ્યમ છે। તે આવતી પેઢીને બતાવશે કે નેતૃત્વ અને પ્રભાવનો કોઈ જાતિ નથી હોતો.”
ભારતમાં યોજાનારો આ 13મો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 33 દિવસ સુધી રમાશે, જેમાં 8 ટીમો ખિતાબ માટે ટક્કર લેશે. સંપૂર્ણપણે મહિલા અમ્પાયર અને રેફરીની નિમણૂકથી આ ટૂર્નામેન્ટ રમતના ઇતિહાસમાં પ્રેરણાદાયી મિસાલ બનશે.
18 સભ્યોની પેનલ જાહેર-
આઈસીસીએ કુલ 14 મહિલા અમ્પાયર અને 4 મહિલા મેચ રેફરીના નામ જાહેર કર્યા છે. તેમાં ક્લેર પોલોસાક, જેકલિન વિલિયમ્સ અને સૂ રેડફર્નનો સમાવેશ થાય છે, જેઓ ત્રીજીવાર મહિલા વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે. તેના સિવાય લોરેન એગેનબેગ અને કિમ કોટન પણ પેનલનો ભાગ છે. આ બંનેએ 2022 વર્લ્ડ કપ ફાઈનલમાં અમ્પાયરિંગ કરી હતી. આ ઉપરાંત ટ્રુડી એન્ડરસન, શાન્દ્રે ફ્રિટ્ઝ, જી.એસ. લક્ષ્મી અને મિશેલ પેરેરાને મેચ રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ