ઢાકા (બાંગ્લાદેશ),નવી દિલ્હી,16 સપ્ટેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશમાં નવરાત્રિ અને
દુર્ગા પૂજા પહેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડથી લઘુમતી સમુદાય ગભરાઈ ગયો છે.
અહેવાલ છે કે રવિવારે રાત્રે કુશ્તીયના મીરપુર ઉપ-જિલ્લામાં સ્થિત સ્વરૂપદાહ
પાલપરા શ્રી શ્રી રક્ખા કાલી મંદિરમાં બદમાશોએ બે મૂર્તિઓ તોડી નાખી હતી. તોડફોડ
બાદ, બદમાશો તેમની
સાથે એક સીસીટીવી અને મેમરી કાર્ડ લઈ ગયા હતા.
ધ ડેઇલી સ્ટાર અખબારના અહેવાલ મુજબ,”મીરપુર પોલીસ
સ્ટેશનના ઇન્ચાર્જ મોમિનુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે રાત્રે 8:00 થી 8:30 વાગ્યાની વચ્ચે
બની હશે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી કે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઘટનાની
તપાસ કરવામાં આવી રહી છે.”
મંદિર સમિતિના ભૂતપૂર્વ સચિવ બાદલ કુમાર ડેએ જણાવ્યું હતું
કે,” અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીં દુર્ગા પૂજાનું આયોજન કરી રહ્યા છીએ. દુર્ગા
પૂજા પહેલાની આ ઘટનાને કારણે દરેક વ્યક્તિ ગભરાઈ ગયો છે.” તેમણે કહ્યું કે,”
બદમાશોએ મંદિરના સુરક્ષા કેમેરા અને તેનું મેમરી કાર્ડ લૂંટી લીધું છે. સોમવારે કુશ્તીયાના
ડેપ્યુટી કમિશનર અબુ હસનત મોહમ્મદ અરાફિને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું
હતું કે,” તપાસ બાદ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
મંદિરમાં હાલના સુરક્ષા પગલાં વિશે પૂછવામાં આવતા, અરાફિને કહ્યું
કે,” નવા કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, અંસાર સભ્યો
ચોવીસ કલાક ફરજ પર છે.” હવે પરિસ્થિતિ સામાન્ય છે, એમ તેમણે કહ્યું.
મંદિર સમિતિના સચિવ શ્રીભાષ કુમાર ડેએ કહ્યું કે,” તેઓએ કુષ્ટિયાના પોલીસ અધિક્ષક
સાથે ઘટના અંગે ચર્ચા કરી છે.”
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ