ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): શિક્ષણને વર્ગખંડની સીમાઓથી પર લઈ જઈને તેને સમાજ સાથે જોડવાના ઉમદા હેતુ સાથે, ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) દ્વારા એક નવતર પ્રોજેક્ટ સાથી (SATHI - Strengthening Actions for Teaching, Harmony, and Inclusions) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતની શાળાઓ અને સમુદાયોમાં સાકલ્યવાદી વિકાસને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે.
સંસ્થાના જન સંપર્ક વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી કે આ પ્રોજેક્ટનું સંચાલન સેન્ટર ઑફ એક્સટેન્શન સર્વિસિઝના ડાયરેક્ટર પ્રો. જૈના જોશી અને સભ્ય સચિવ ડૉ. અર્ચના પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. સાથી પ્રોજેક્ટ અંતર્ગત, IITE ના બી.એ.-બી.એડ.ના પ્રથમ, ત્રીજા અને પાંચમા સેમેસ્ટરના કુલ ૩૨ તાલીમાર્થીઓ સ્વયંસેવક તરીકે જોડાયા છે. આ તાલીમાર્થીઓ ગાંધીનગરના સેક્ટર-૨૮ સ્થિત સરકારી અંગ્રેજી માધ્યમ શાળા, સેક્ટર-૧૩ની સરકારી પ્રાથમિક શાળા અને સેક્ટર-૨૪-એની સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપશે.
આ પહેલની શરૂઆત ૧૭ માર્ચ, ૨૦૨૫ ના રોજ ટૂંકા સત્રો અને નાટકો દ્વારા કરવામાં આવી હતી, અને ૨૫ ઓગસ્ટથી નિયમિત વર્ગો અને અન્ય પ્રવૃત્તિઓનો આરંભ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભાવિ શિક્ષકોને તેમના પુસ્તકીય જ્ઞાનના વ્યવહારિક ઉપયોગ માટે એક મંચ પૂરું પાડવાનો છે, જેથી તેમનામાં સામાજિક જવાબદારીની ભાવના કેળવાય અને તેમની વ્યાવસાયિક કુશળતામાં વધારો થાય.
સાથી પ્રોજેક્ટ દ્વારા, IITE શાળાઓ, વિદ્યાર્થીઓ અને સમુદાયો વચ્ચે સહયોગનો એક મજબૂત સેતુ બનાવીને દીર્ઘકાલીન અને સમાવેશી વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ