મહેસાણા, 16 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 15 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાયો હતો. આ પ્રસંગે દેશ-વિદેશથી પધારેલા 300થી વધુ સંતો તથા 22,000થી અધિક હરિભક્તોની ઉમંગભરી ઉપસ્થિતિ રહી હતી.
સભા કાર્યક્રમમાં ભક્તિસંગીત, ભક્તિનૃત્ય, સંવાદપ્રસ્તુતિ અને સંતપ્રવચનોથી ગુરુભક્તિનું પાવન વાતાવરણ સર્જાયું. “પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અલૌકિક જીવન” વિષય પર સભામાં ચાર આયામ રજૂ થયા, જેમાં ભગવાન પ્રધાન જીવન, અલૌકિક પ્રભાવ, કરુણા અને પ્રીતિના વિવિધ દર્શન સૌએ માણ્યા. પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિત વરિષ્ઠ સંતોના પ્રવચનો ભક્તિપ્રેરક બન્યા.
યુવકોએ જન્મજયંતિ નૃત્ય, સ્કીટ અને કલાત્મક રજૂઆતોથી મહોત્સવને રંગીન બનાવ્યો. અંતમાં સંતો અને હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા હાર પરમ પૂજ્ય ગુરુહરિને અર્પિત કર્યા. સમૂહ આરતી દરમિયાન સમગ્ર સભામંડપ ઝળહળી ઉઠ્યો.
આ અવસરે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નિષ્કલંકી, સેવા-ભક્તિમય અને દિવ્ય જીવનના દર્શનથી હજારો ભક્તોએ ચિરંજીવી સ્મૃતિઓ હૃદયમાં વસાવી
લીધી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR