ચિત્રદુર્ગ, નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિ.સ.). કર્ણાટકના ચિત્રદુર્ગ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર 'પપ્પી'ને, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વધુ એક ઝટકો આપ્યો છે. ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદેસર મની લોન્ડરિંગના આરોપોને ધ્યાનમાં રાખીને, ઈડી એ શનિવારે ચિત્રદુર્ગના ચલ્લાકેરે શહેરમાં સ્થિત ઘણી બેંકોમાં દરોડા પાડ્યા હતા, જેમાં વીરેન્દ્રના ખાતા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના 10 થી વધુ અધિકારીઓ ચલ્લાકેરે પહોંચ્યા છે અને ધારાસભ્ય કેસી વીરેન્દ્ર 'પપ્પી'ના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. શહેરમાં કોટક મહિન્દ્રા, એક્સિસ, ફેડરલ અને કર્ણાટક બેંક સહિત ઘણી શાખાઓમાં તેમના ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઈડી અધિકારીઓ ધારાસભ્ય વીરેન્દ્ર સાથે જોડાયેલા 17 બેંક ખાતાઓ સંબંધિત દસ્તાવેજો એકત્રિત કરી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યના બેંક લોકર્સ પણ શોધવામાં આવી રહ્યા છે.
હકીકતમાં, છેલ્લા 15 દિવસમાં ધારાસભ્ય વીરેન્દ્ર પર ઈડી દ્વારા આ ત્રીજો દરોડો છે. ઈડી એ 22 અને 23 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યાથી વીરેન્દ્રના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મધ્યરાત્રિ સુધી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલકત, રોકડ અને લક્ઝરી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય કે. સી. વીરેન્દ્ર 'પપ્પી' ની સિક્કિમથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (પીએમએલએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. ઈડી એ વીરેન્દ્ર અને તેના સહયોગીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે અને 12 કરોડ રૂપિયા રોકડા, 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 10 કિલો ચાંદી જપ્ત કરી છે.
આ ઉપરાંત, 17 બેંક ખાતા અને 2 બેંક લોકર પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. કે. સી. વીરેન્દ્રના ભાઈ કે. સી. નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વી એન. રાજના પરિસરમાંથી મિલકત સંબંધિત અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અનેક પરિસરમાંથી અનેક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. વીરેન્દ્ર પર 'કિંગ 567' અને 'રાજા 567' જેવી ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવવાનો આરોપ છે.
હિન્દુસ્થાન સમાચાર/રાકેશ મહાદેવપ્પા/ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ