નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.): દેશની સૌથી મોટી મોટરસાયકલ નિર્માતા કંપની હીરો મોટોકોર્પે હર્ષવર્ધન ચિતલેને પોતાના આગામી મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 5 જાન્યુઆરી 2026ના રોજ પોતાનો કાર્યભાર સંભાળશે.
હીરો મોટોકોર્પે સોમવારે શેરબજારને માહિતી આપી હતી કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી બાદ હર્ષવર્ધન ચિતલેને નવો CEO નિયુક્ત કરવામાં આવ્યો છે. ચિતલેને વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરવાનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. તેમનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
કંપનીએ જણાવ્યું કે ચિતલે CEOનો હોદ્દો સંભાળ્યા પછી કસ્બેકર કાર્યકારી CEOનું પદ છોડી દેશે. ચિતલે અગાઉ Signifyના લાઇટિંગ સોલ્યુશન્સ બિઝનેસના વૈશ્વિક CEO તરીકે કામ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે 70 દેશોમાં 12,000 કર્મચારીઓનું નેતૃત્વ કર્યું હતું. તેમને ઔદ્યોગિક ઑટોમેશન, લાઇટિંગ, માહિતી ટેક્નોલોજી સેવાઓ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ઊંડો અનુભવ છે.
હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલે એક નિવેદનમાં જણાવ્યું, “વૃદ્ધિને ગતિ આપવાની, નવીનતાને પ્રોત્સાહન આપવાની અને વૈશ્વિક પરિવર્તનનું નેતૃત્વ કરવાની હર્ષવર્ધન ચિતલેની ઉત્તમ સિદ્ધિઓ તેમને આ મહત્વપૂર્ણ ક્ષણે હીરો મોટોકોર્પ માટે આદર્શ નેતા બનાવે છે.”
હીરો મોટોકોર્પે હર્ષવર્ધન ચિતલેની નિમણૂંક એવા સમયે કરી છે, જ્યારે કંપનીએ ઑગસ્ટ મહિનામાં ભારતમાં દ્વિચક્રી વાહનોની વેચાણમાં ટોચનું સ્થાન જાપાનની હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાને ગુમાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ