
નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, ભારતના યુવાનો પણ તેમના સાંસ્કૃતિક મૂળને મજબૂત બનાવી રહ્યા છે. મોદીએ આજે શ્રીમદ્ વિજયરત્ન સુંદર સૂરીશ્વરજી મહારાજના 500મા પુસ્તકના વિમોચન સમારોહમાં એક વિડીયો સંદેશ દ્વારા આ નિવેદન આપ્યું હતું. આ પુસ્તકનો વિષય પ્રેમનુ વિશ્વ, વિશ્વનો પ્રેમ છે.
વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, આજે ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે, જ્યાં તેના યુવાનો વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યા છે અને તેના સાંસ્કૃતિક મૂળને પણ મજબૂત બનાવી રહ્યા છે. મહારાજ સાહેબ જેવા સંતોનું માર્ગદર્શન અને સાહિત્ય આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે કહ્યું કે, આ ફક્ત એક પુસ્તક નથી, પરંતુ એક મંત્ર છે જે પ્રેમની શક્તિનો પરિચય કરાવે છે. ખાસ કરીને આજે, જ્યારે વિશ્વ વિભાજન અને સંઘર્ષથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે આ પુસ્તકની પહેલા કરતાં વધુ જરૂર છે.
વડા પ્રધાન મોદીએ, જૈન દર્શનના માર્ગદર્શક સિદ્ધાંત પરસ્પરપગ્રહો જીવનમ્ નો ઉલ્લેખ કર્યો અને તેનો અર્થ સમજાવતા કહ્યું કે, દરેક જીવન બીજા જીવન સાથે જોડાયેલું છે. જ્યારે આ સિદ્ધાંત સમજાય છે, ત્યારે આપણો દ્રષ્ટિકોણ વ્યક્તિગતથી સામૂહિક હિત તરફ બદલાય છે, અને આપણે વ્યક્તિગત આકાંક્ષાઓથી ઉપર ઉઠીએ છીએ અને સમાજ, રાષ્ટ્ર અને માનવતાના લક્ષ્યો વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ.
તેમણે કહ્યું કે, મહારાજની 500 રચનાઓ એક વિશાળ સમુદ્ર જેવી છે, જેમાં માનવતાની સમસ્યાઓના સરળ અને આધ્યાત્મિક ઉકેલો પ્રદાન કરતા અસંખ્ય વિચારોના રત્નો છે.
પ્રધાનમંત્રી મોદીએ, આજે નવકાર મંત્ર દિવસના ઐતિહાસિક પ્રસંગે લેવામાં આવેલા નવ સંકલ્પોનો પુનરોચ્ચાર કર્યો, જે રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે જરૂરી છે. આમાં જળ સંરક્ષણ, એક પેડ માં કે નામ, સ્વચ્છતા અભિયાનને આગળ વધારવું, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું, ભારતીય દર્શન અપનાવવું, કુદરતી ખેતી અપનાવવી, સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવું, યોગ અને રમતગમતને પોતાના જીવનમાં સામેલ કરવી અને ગરીબોને મદદ કરવાનો સંકલ્પ લેવાનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ