
જૂનાગઢ, 15 જાન્યુઆરી (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ચાપરડા ગામની સીમમાં આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી એક કાર પક્ષીઓના ચબૂતરા સાથે જોરદાર રીતે અથડાતાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એક પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન સામેથી અચાનક એક બાઈકચાલક આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર રસ્તાની બાજુ આવેલા પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાંથી લોકો અને રાહદારીઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળતા અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે મહેનત કરી હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અન્ય પાંચ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે