
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.)
અમરેલીમાં ચેક રીટર્નના કેસોમાં કડક કાર્યવાહી કરીને આવા બનાવો અટકાવવા પ્રતિબદ્ધતા દર્શાવતી અમરેલી નાગરિક સહકારી બેન્કને એક મહત્વપૂર્ણ કાયદેસર સફળતા મળી છે. બેન્ક સાથે બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા એક ખાતેદારને અદાલતે એક વર્ષની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીના હસનભાઈ હસનભાઈ ઉમરભાઈ બ્લોચ, રહેવાસી મીની કસ્બા, ગેસ ગોડાઉન પાસે, તારવાડી રોડ, દ્વારા બેન્કની કાયદેસરની બાકી રકમના ભુકતાન માટે પોતાના ખાતાનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે ખાતામાં પૂરતું ફંડ ન હોવાને કારણે ચેક રીટર્ન થયો હતો. કાયદાની જોગવાઈ મુજબ ચેક રીટર્ન થવાના કિસ્સામાં બેન્કને કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે.
નાગરિક સહકારી બેન્કે અગાઉ પણ ચેક રીટર્નના બનાવોમાં બાકીદારો સામે કડક પગલાં લીધા છે. આ કેસમાં પણ બેન્ક દ્વારા યોગ્ય નોટિસ અને પ્રક્રિયા બાદ અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના પરિણામે આરોપીને દોષિત ઠરાવી એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
બેન્કે સ્પષ્ટ જણાવ્યું છે કે ચેક રીટર્ન જેવા કિસ્સાઓ ન વધે અને નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai