
વલસાડ, 16 જાન્યુઆરી (હિ.સ.): વલસાડમાં વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકોને વિઝાની ખાતરી આપી લાખો રૂપિયા પડાવવાના કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. યુકે અને ન્યુઝીલેન્ડના વિઝા અપાવવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર મહંમદ અબ્બાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખને મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીએ કુલ ₹76.39 લાખની ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે.
આ મામલે 25 ઑક્ટોબરે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, એક વ્યક્તિ પાસેથી યુકે માટે વર્ક અને વિઝિટર વિઝા અપાવવાના નામે ₹10 લાખ એડવાન્સ લેવામાં આવ્યા હતા. આ રકમ અલગ-અલગ ઇમિગ્રેશન એજન્સીઓના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગુનો નોંધાયા બાદ આરોપી દુબઈ ફરાર થયો હતો, જેને કારણે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી.
13મી તારીખે આરોપી મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ ઇમિગ્રેશન વિભાગે તેને અટકાવ્યો અને વલસાડ પોલીસને જાણ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે સોશિયલ મીડિયા દ્વારા વિદેશ જવા ઇચ્છુક લોકોને સંપર્કમાં લઈ, વિઝાની ગેરંટી આપીને પૈસા વસૂલ્યા હતા. હાલ પોલીસ આરોપીને સાથે રાખીને મહારાષ્ટ્ર સુધી તપાસ વિસ્તારતી કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે