પશ્ચિમ બંગાળમાં ₹830 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું, ફક્ત પૂર્વીય ભારતના વિકાસથી જ વિકસિત ભારત બનશે
સિંગુર, નવી દિલ્હી, 19 જાન્યુઆરી (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂર્વીય ભારત, ખાસ કરીને પશ્ચિમ બંગાળનો ઝડપી અને સમાવેશી વિકાસ જરૂરી છે. બંદરો, જળમાર્ગો, રેલ્વે અને મલ્ટી-મોડલ ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


સિંગુર, નવી દિલ્હી, 19 જાન્યુઆરી (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂર્વીય ભારત, ખાસ કરીને પશ્ચિમ બંગાળનો ઝડપી અને સમાવેશી વિકાસ જરૂરી છે. બંદરો, જળમાર્ગો, રેલ્વે અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટીના મજબૂત માળખા વિના, ન તો ઔદ્યોગિક વિસ્તરણ શક્ય છે કે ન તો યુવાનો માટે મોટા પાયે રોજગારીનું સર્જન શક્ય છે. કેન્દ્ર સરકાર છેલ્લા 11 વર્ષથી પશ્ચિમ બંગાળને ઉત્પાદન, વેપાર અને લોજિસ્ટિક્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે સતત રોકાણ કરી રહી છે.

રવિવારે પ્રધાનમંત્રીએ, પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં ₹830 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટ્સનો હેતુ રાજ્યમાં આંતરિક જળમાર્ગો, બંદર-આધારિત માળખાગત સુવિધા, રેલ કનેક્ટિવિટી અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનને મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટ્સમાં હુગલી નદી પર બાલાગઢ ખાતે વિકસાવવામાં આવી રહેલી વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ, એક ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ (આઈડબ્લ્યુટી) ટર્મિનલ અને એક રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. કોલકતા શહેરથી કાર્ગોનો નોંધપાત્ર ભાગ બાલાગઢ ખસેડવામાં આવશે, જેનાથી મહાનગરમાં ટ્રાફિક ભીડ, પ્રદૂષણ અને લોજિસ્ટિકલ દબાણ ઘટશે.

પ્રધાનમંત્રીએ, કોલકતામાં હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક કેટામરેન પણ લોન્ચ કર્યું. ખાસ એલ્યુમિનિયમથી બનેલા આ આધુનિક જહાજમાં 50 મુસાફરોની ક્ષમતા છે અને તેમાં એર-કન્ડિશન્ડ કેબિન છે. શૂન્ય-ઉત્સર્જન મોડમાં કાર્યરત, આ કેટામરેન શહેરી નદી પરિવહન, પર્યાવરણને અનુકૂળ પર્યટન અને હુગલી નદી પર છેલ્લા માઇલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસ, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, કેન્દ્રીય શિક્ષણ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ રાજ્યમંત્રી સુકાંત મજુમદાર, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી, સાંસદ શમિક ભટ્ટાચાર્ય અને અનેક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટે પૂર્વીય ભારતનો વિકાસ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે, અને છેલ્લા બે દિવસની ઘટનાઓ આ સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. તેમને આ બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળમાં સેંકડો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લા 24 કલાક પશ્ચિમ બંગાળની રેલ કનેક્ટિવિટી માટે ઐતિહાસિક રહ્યા છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન રાજ્યમાંથી રવાના થઈ છે, અને બંગાળને લગભગ અડધો ડઝન નવી અમૃત ભારત ટ્રેનો મળી છે. રવિવારે વધુ ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, જેમાંથી એક કાશી સાથે બંગાળની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વધુમાં, દિલ્હી અને તમિલનાડુ માટે અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કદાચ છેલ્લા 100 વર્ષમાં ક્યારેય 24 કલાકની અંદર રેલ્વે ક્ષેત્રમાં આટલું વ્યાપક કાર્ય થયું નથી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જળમાર્ગો માટે અપાર સંભાવનાઓ છે, અને કેન્દ્ર સરકાર આ દિશામાં ગંભીરતાથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર બંદર અને નદીના જળમાર્ગ માળખાના વિકાસ માટે જરૂરી સહાય પૂરી પાડી રહી છે. તાજેતરમાં, ઘણા મહત્વપૂર્ણ બંદર અને આંતરિક જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે રાજ્ય અને દેશ બંનેના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંદરો અને તેમની સાથે સંકળાયેલ ઇકોસિસ્ટમ મજબૂત સ્તંભો છે જેના પર પશ્ચિમ બંગાળને ઉત્પાદન, વેપાર અને લોજિસ્ટિક્સ માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરી શકાય છે. બંદર-આધારિત વિકાસ પર જેટલો વધુ ભાર મૂકવામાં આવશે, તેટલી વધુ રોજગારીની તકો ઊભી થશે. છેલ્લા 11 વર્ષોમાં, શ્યામા પ્રસાદ મુખર્જી બંદરના વિસ્તરણમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે, અને સાગરમાલા યોજના હેઠળ તેની કનેક્ટિવિટી સુધારવા માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસોના પરિણામે, કોલકતા બંદરે ગયા વર્ષે કાર્ગો હેન્ડલિંગ માટે નવા રેકોર્ડ બનાવ્યા છે. બાલાગઢ ખાતે વિકસિત કરવામાં આવી રહેલી વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમ હુગલી અને આસપાસના વિસ્તારો માટે વિકાસના નવા રસ્તાઓ ખોલશે. આ કોલકાતા શહેર પર ટ્રાફિક અને લોજિસ્ટિક્સ દબાણ ઘટાડશે અને કાર્ગો અવરજવરને સરળ બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે, ગંગા નદી પર વિકસિત જળમાર્ગ દ્વારા કાર્ગો હેન્ડલિંગને વધુ વધારવામાં આવશે, અને આ સમગ્ર માળખાગત સુવિધા હુગલી પ્રદેશને વેરહાઉસિંગ અને તાલીમ માટેનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં મદદ કરશે. આનાથી સેંકડો કરોડ રૂપિયાના નવા રોકાણો આકર્ષિત થશે અને હજારો યુવાનોને રોજગારીની તકો પૂરી પડશે. નાના વેપારીઓ, પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતોને પણ સીધો ફાયદો થશે કારણ કે તેમને તેમના ઉત્પાદનો માટે નવા બજારો મળશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે ભારત મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂકી રહ્યું છે. નદીના જળમાર્ગો, રસ્તાઓ, રેલ્વે અને એરપોર્ટને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી સીમલેસ પરિવહન શક્ય બને. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને પરિવહન સમય બંનેમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, જે ભારતની આર્થિક સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande