
નવી દિલ્હી, 7 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે એ બુધવારે જણાવ્યું હતું કે, શ્રમ સંહિતાનો અમલ અને ટેકનોલોજીનો ઉપયોગ ખાણ સલામતીને મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, ખાણ ક્ષેત્રમાં સમાન સલામતી ધોરણો આવશ્યક છે.
શોભા કરંદલાજેએ, ધનબાદમાં ખાણ સલામતી મહાનિર્દેશાલય (ડીજીએમએસ) ના 125મા સ્થાપના દિવસ પર તેમના સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડીજીએમએસ ની 125 વર્ષની યાત્રા અધિકારીઓ અને ખાણ કામદારોના સમર્પિત પ્રયાસો અને બલિદાનને પ્રતિબિંબિત કરે છે. ભૂતકાળમાં પડકારજનક પરિસ્થિતિઓમાં કામ કરનારાઓના યોગદાનનો સ્વીકાર કરતા, તેમણે ભાર મૂક્યો હતો કે આજે ખાણકામ પ્રવૃત્તિઓ ભારતની વિકાસ વાર્તા સાથે સીધી રીતે જોડાયેલી છે.
તેમણે તમામ ખાણકામ કામગીરીમાં સમાન સલામતી ધોરણો સુનિશ્ચિત કરવામાં ડીજીએમએસ ની ભૂમિકા પર ભાર મૂક્યો અને સલામતી ધોરણોને અસરકારક રીતે લાગુ કરવા માટે સંકલિત કેન્દ્ર-રાજ્ય પ્રયાસો અને ડીજીએમએસ પ્રાદેશિક કચેરીઓની મજબૂત ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રમ સુધારાઓની સુસંગતતા પર પ્રકાશ પાડતા, શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, ચાર શ્રમ સંહિતાએ 29 કાયદાઓને એકીકૃત કર્યા છે અને તેમને બદલ્યા છે, જેનો ઉદ્દેશ્ય વિકસિત ભારતનું નિર્માણ કરવાનો અને કરાર કામદારો સહિત બધા માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેમણે ડીજીએમએસ ને આ કોડ્સ વિશે જાગૃતિ લાવવા અને ખાણ સલામતી સુધારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિનંતી કરી અને સુરક્ષિત અને વધુ ટકાઉ ખાણકામ માટે ડીજીએમએસ ને મજબૂત બનાવવા માટે મંત્રાલયના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 1902 માં સ્થાપિત ડીજીએમએસ ભારતમાં ખાણ સલામતી અને આરોગ્ય ધોરણોને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ખાણ કામદારોના કલ્યાણ અને ખાણ ઉદ્યોગના ટકાઉ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમમાં ડીજીએમએસ ના મહાનિર્દેશક ઉજ્જવલ તાહ, શ્રમ અને રોજગાર મંત્રાલયના સંયુક્ત સચિવ દીપિકા કછલ, ડીજીએમએસ ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, મંત્રાલયના અધિકારીઓ, ખાણ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ક્ષેત્રના હિસ્સેદારો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ