
ભાવનગર, 01 ઓક્ટોબર (હિ.સ.)રાષ્ટ્રીય પોષણ માહ-2026 અને ‘આંગણોત્સવ-2026’ અંતર્ગત ભાવનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને કિશોરીઓની સર્જનાત્મક સહભાગિતા સાથે વિવિધ ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી. રાજ્યવ્યાપી વર્લ્ડ રેકોર્ડના સંકલ્પને સાકાર કરવા યોજાયેલી આ પ્રવૃત્તિમાં પોષણ, આરોગ્ય અને બાળ વિકાસ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કિશોરીઓ માટે ‘મારી પોષણ થાળી’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતુલિત અને પોષણયુક્ત આહારના મહત્વને દર્શાવતા વિવિધ આકર્ષક ચિત્રો કિશોરીઓએ રજૂ કર્યા હતા. ચિત્રો મારફતે પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય અને સારા જીવન માટે જરૂરી પોષક તત્વો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 3થી 6 વર્ષના બાળકો માટે ‘આનંદ અને ઉમંગના રંગો’ થીમ પર ચિત્રકામ કરાવવામાં આવ્યું હતું. આંગણવાડીની પ્રી-સ્કૂલ કિટમાં ઉપલબ્ધ રંગો અને ચિત્રપોથીનો ઉપયોગ કરીને બાળકોએ ઉત્સાહપૂર્વક પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી.
ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ બાળકોમાં કલાત્મક અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને સૂક્ષ્મ સ્નાયુઓના વિકાસમાં મદદરૂપ બને છે. સાથે જ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓથી બાળકોના પ્રારંભિક વિકાસને પ્રોત્સાહન મળે છે.
સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો અને કિશોરીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ ચિત્રો તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ રીતે ભાવનગર જિલ્લાના બાળકો અને કિશોરીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા પોષણ અને બાળ વિકાસનો સંદેશ આપવાની સાથે રાજ્યવ્યાપી વર્લ્ડ રેકોર્ડના સંકલ્પમાં સહભાગી બની યોગદાન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA