
જૂનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર, IQAC, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પ્રાદેશિક માહિતી કચેરી- જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ગરવા ગિરનારની નિશ્રમાં આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની બદલાતી ભૂમિકા વિષય પર સંવાદની સરવાણી વહી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજીસ ખાતે આયોજિત આ પરિસંવાદમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે, વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા અને જાણીતા કોલમિસ્ટ અને લેખક હર્ષ મેસવાણિયાએ વિચારનીય સંબોધન કર્યું હતું. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી સર્જન કાર્યમાં સહાયરૂપ છે. પરંતુ મૌલિકતા, દ્રષ્ટિકોણ, ભાવ, અર્થઘટન અને સંવેદનશીલતા માટે નિઃશંક પણે માનવીય મહત્વત્તા રહેલી છે. તેવો સુર વ્યક્ત થયો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની પૂર્વ ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, ડેટા અને શબ્દોના સમૂહરૂપ એઆઈની ખૂબીઓની સાથે મર્યાદાઓ પણ રહેલી છે. ટેકનોલોજી પાસે ભાવ, મૌલિકતા, સંવેદનશીલતા અને શૈલી નથી. આ માટે હંમેશા માનવ પર જ નિર્ભર રહેવું પડે છે. તેમણે વિદ્વાન માર્શલ મેકલૂહાન વિધાન મીડીયમ ઇસ ધ મેસેજ ના સંદર્ભમાં કહ્યું કે, ડિજિટલ યુગમાં માધ્યમ બદલાતું નથી પરંતુ તેનું સ્વરૂપ બદલાય છે.
પ્રત્યાયનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ બદલાવો આવ્યા છે. ટીવી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આવિષ્કાર થયો તેમ છતાં અખબારનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. ખાસ જ્યાં દ્વિમાર્ગી સંવાદનો અવકાશ છે તે માધ્યમો કાયમી પણે ટકી રહેવાના છે.
તમને ખાસ ડિજિટલ યુગમાં ભાષા સજ્જતા કેળવવા પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાષા અને સંવાદના માધ્યમથી વ્યક્તિત્વનો વિકાસ શક્ય બને છે. ડિજિટલ યુગમાં ભાષાનો આપણાથી હ્રાસ ન થાય તે પણ આપણા સૌની જવાબદારી છે અને ભાષામાં વૈચારિક સંસ્કાર ભળે ત્યારે જ સર્જન અને સંવાદનો સેતુ રચાય છે. જેમની ભાષા બળુકી હોય તે પ્રદેશની સંસ્કૃતિ પણ એટલી જ બળુકી હોય છે. સંસ્કૃતિના જતન માટે ભાષા સૌથી મહત્વની છે અને ભાષા સજ્જતાથી જ સંસ્કૃતિની રક્ષા થાય છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે તેમણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉદાર સહયોગ માટે પ્રોફેસર ડો. કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને કાર્યક્રમના માર્ગદર્શક પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, દરેક યુગમાં ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહ્યો છે. એટલે નવી ટેકનોલોજીના વિકાસથી ડરવા કે ચિંતાની આવશ્યકતા નથી. પરંતુ ટેકનોલોજીના માધ્યમથી આવેલા પરિવર્તનને સ્વીકારવા પડશે અને સાથે જરૂરી બદલાવ પણ લાવવા પડશે.
તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ હજુ નવા બદલાવ અને વર્ઝન આવશે. જે પરિવર્તનનો આવશે તેને કોઈ કદાચ રોકી પણ શકશે નહીં. કોઈપણ સદીમાં સમયનું જે ચક્ર ચાલે છે તેની સાથે પરિવર્તનો આવતા જ રહ્યા છે. એટલે તેને સ્વીકારવા અને અપનાવવા સજ્જ રહેવું જોઈએ.
પત્રકારત્વના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોબાઈલ અને ઇન્ટરનેટના આગમનથી પરિશ્રમ ખૂબ ઘટ્યો છે. ટેકનોલોજીના હકારાત્મક પાસાઓનો ફાયદો ઉઠાવવો જોઈએ અને જે ભયસ્થાનો રહેલા તેનાથી સાવધ રહેવું જોઈએ. આ સ્થિતિમાં માહિતીનું પૃથક્કરણ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, તથ્યોને તપાસવા અને અર્થઘટનનું મહત્વ એટલું જ અકબંધ છે. આ માટે હંમેશા વ્યક્તિ પર આધારિત રહેવું પડશે. આ ડિજિટલ યુગમાં પણ કન્ટેન્ટ ઈઝ ધ કિંગ છે.
ડિજિટલ મીડિયાનો વ્યાપ વધવાથી પ્રાદેશિક ભાષા ને ખૂબ ફાયદો થયો છે. મીડિયા છેવાડાના ગામડા સુધી પહોંચ્યું છે. સાથે જ પ્રાદેશિક ભાષાના અખબાર અને ટીવીના આંકડાઓ પણ સૂચવે છે કે, પ્રાદેશિક સ્તરે મીડિયાનો ખૂબ વ્યાપ વધ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, અન્ય ભાષાના શબ્દોને સ્વીકારવાથી બે જનરેશન વચ્ચેનું અંતર પણ ઘટે છે. એટલે ક્લિષ્ટ ભાષાને બદલે સરળ લોકોને સમજાય તેવી ભાષામાં સર્જન હોવું જોઈએ.
તેમણે પ્રવર્તમાન સમયમાં સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં નવા આયામ બનીને ઉભરી આવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સઉદાહરણ વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે જાણીતા કોલમિસ્ટ હર્ષ મેસવાણીયાએ જણાવ્યું હતુ કે, ચાર્લ્સ બેબેજ દ્વારા ૧૮૩૭માં બનાવાયેલું પાંચ ટનનું પ્રથમ કમ્પ્યુટર આજે એક નાનકડી સ્ક્રીન અને લેપટોપમાં સમાઈ ગયું છે. ભવિષ્યમાં માનવ શરીરમાં ચિપ ઇમ્પ્લાન્ટ થવાથી વિચાર માત્રથી વર્ચ્યુઅલ સ્ક્રીન કંટ્રોલ કરી શકાશે. હાલમાં ચીનમાં એવી ફેક્ટરીઓ કાર્યરત થઈ છે. જ્યાં રોબોટ્સ જ બીજા રોબોટ્સનું નિર્માણ કરે છે, જેના કારણે ઉત્પાદન ક્ષેત્રે માનવ શ્રમની જરૂરિયાત ઝડપથી ઘટી રહી છે. AI કન્ટેન્ટનો ઉપયોગ અતિ ઝડપે વધી રહ્યો છે, જ્યાં ૨૦૨૭ સુધીમાં ઇન્ટરનેટ પરનું ૭૧% કન્ટેન્ટ AI-જનરેટેડ હોવાની શક્યતા છે.
AIની ઝડપ અને કાર્યક્ષમતા ગમે તેટલી વધે, પરંતુ તે મનુષ્યની મૌલિકતા અને ગ્રાઉન્ડ લેવલના કામનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં. વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેવા મોટો કાર્યક્રમોનું ઘટનાસ્થળે રૂબરૂ હાજર રહીને પ્રત્યક્ષ રિપોર્ટિંગ કરવાની અને આસપાસની બારીક વિગતો ઝડપવાની અનોખી ક્ષમતા માત્ર માનવ પત્રકારો અને માહિતી ખાતા પાસે જ રહેવાની છે. AI માત્ર મોકલેલા ઓડિયો કે વીડિયો પરથી ટેક્સ્ટ તૈયાર કરી શકે છે, પરંતુ તે સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિનો જીવંત રિપોર્ટ આપી શકતું નથી. આ ઉપરાંત, પત્રકારત્વ, વાર્તા કે સાહિત્યિક ક્ષેત્રે AI થી શું છૂટી ગયું છે તે શોધીને તેમાં પોતાનો સ્વતંત્ર દ્રષ્ટિકોણ કે નવો એંગલ ઉમેરવો, સર્જનાત્મક મૌલિકતા જાળવવી અને કોઈની પણ રચનાઓની યોગ્ય ચકાસણી કરવી એ માણસની જ અવિભાજ્ય જવાબદારી રહેશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયગાળામાં 'ફેક્ટ-ચેકિંગ' (સત્યતાની ચકાસણી) એ માનવજાત માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા બની રહેશે. કારણ કે AI ઘણીવાર ભ્રમ ઊભો કરી શકે છે. આજના બદલાતા યુગમાં માત્ર ટેકનોલોજી કે માહિતીથી 'અપડેટ' રહેવાના બદલે નવી સ્કિલ્સ શીખીને પોતાને સતત 'અપગ્રેડ' કરતા રહેવું અનિવાર્ય છે.
મશીનો માત્ર શબ્દો ઓળખી શકે છે, પણ તેના સાચા અર્થ અને ભાવાર્થનું અર્થઘટન તો મનુષ્ય જ કરી શકે છે. સાધનો કે મશીનો ગમે તેટલા બદલાય, પરંતુ મૂળ તત્વ અને માનવ ચૈતન્ય જ સર્વોપરી રહે છે તેમ તેમણે જણાવ્યું હતુ. અંતમાં તેમણે કહ્યું કે, એઆઈ ગમે એટલું અપડેટ થાય પરંતુ મૌલિક લખાણ તેમજ આગવા દૃષ્ટિકોણનું મહત્વ અકબંધ રહેશે. એ આઈ તમને મદદ કરી શકે પરંતુ કમાન્ડ તો આપણે જ આપવો પડશે.
આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો. સુહાસ વ્યાસે કુલપતિ પ્રોફેસર ડો. પ્રતાપસિંહ ચૌહાણનો સંદેશો વ્યક્ત કરતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યોમાં વધારો થતો રહે તે માટે સહાયરૂપ થવા માટે લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વક્તાઓ સાથે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સંવાદ પણ યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ