નિરોણામાં ‘આંગણ ઉત્સવ 2026’ની રંગેચંગે ઉજવણી, નાનકડાં ભૂલકાંઓના સર્વાંગી વિકાસનો સંદેશ
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : નિરોણા ગામમાં બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપતી આંગણવાડી વ્યવસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો ‘આંગણ ઉત્સવ 2026’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 4 અને 5 ખાતે આયોજિત કાર્યક્રમમ
નીરોણા ખાતે આંગણ ઉત્સવ ઉજવવામાં આવ્યો


કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : નિરોણા ગામમાં બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપતી આંગણવાડી વ્યવસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો ‘આંગણ ઉત્સવ 2026’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 4 અને 5 ખાતે આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ આંગણવાડી સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે કરવામાં આવતી શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે મહેમાનો અને ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પૂર્વપ્રાથમિક શિક્ષણના તબક્કામાં બાળકોને રમતો, પ્રવૃત્તિઓ અને વિવિધ શૈક્ષણિક સાધનોના માધ્યમથી શીખવાની તક મળે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આંગણવાડી કેન્દ્રમાં બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતી વર્કર બહેનો, હેલ્પર બહેનો અને આશા વર્કર બહેનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મહેમાનોના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમની સેવાઓની પ્રશંસા કરી બાળ વિકાસ સાથે જોડાયેલી કામગીરીમાં સતત યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉત્સવના ભાગરૂપે પૂર્વપ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા બાળકોને સુખડી તથા ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના પોષણમાં સંતુલિત અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અધિકારીએ ઉપસ્થિતોને સંબોધતા બાળકના પ્રારંભિક વર્ષોમાં શિક્ષણ, યોગ્ય પોષણ અને સ્વાસ્થ્યની સંભાળ તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત કિશોરીઓના આરોગ્યની ચકાસણીના ભાગરૂપે એચબી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી કિશોરીઓના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં મહેમાનો અને લાભાર્થીઓએ પૂર્વપ્રાથમિક શિક્ષણ કીટનું નિદર્શન નિહાળ્યું હતું. કીટમાં સમાવિષ્ટ વિવિધ શૈક્ષણિક સામગ્રીનો બાળકોના શિક્ષણ અને વિકાસમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યને કેન્દ્રસ્થાને રાખી આંગણવાડીની વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. અંતે આંગણવાડી કેન્દ્ર નંબર 4નાં વર્કર મંજુલાબેન સુનિલ માતંગે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande