
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.) સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલમાં યુવતી સાથે છેડતી અને અશ્લીલ હરકતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. પૂછપરછ કરવાના બહાને યુવતીની નજીક પહોંચેલા યુવકે મોલના એકાંત સ્થળનો લાભ લઈ તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટના મોલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાહેર સ્થળે બનેલી આ ઘટનાને પગલે મોલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, હજુ સુધી ભોગ બનનાર યુવતી કે તેના પરિવાર દ્વારા પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઉત્રાણ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે યુવકની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. યુવકને શોધી તેની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે