રાપરમાં દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો, રૂ.55 હજારનો મુદ્દામાલ કબજે
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાપર તાલુકામાં ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક તથા દારૂગોળો ભરેલી બે બોટલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં
રાપર ગેરકાયદેસર હથિયાર કેસનો આરોપી


રાપર ગેરકાયદેસર હથિયાર કેસનો આરોપી


કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાપર તાલુકામાં ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક તથા દારૂગોળો ભરેલી બે બોટલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં હથિયાર ઉપરાંત એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.55 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાની સૂચના હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી.

આ દરમિયાન પોલીસ ટીમ પ્રાગપરથી ઉમૈયા તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે ડબુડી માતાજીના મંદિર નજીક એક શખ્સ શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળતાં પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતાં દારૂગોળો ભરેલી એલ્યુમિનિયમની બે બોટલ પણ મળી આવી હોવાનું સામે આવ્યું હતું.

હથિયાર મળી આવતા પોલીસે પ્રાગપરના સોસાયટીવાસ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સતિષ હિરાભાઈ મકવાણાને કબજામાં લીધો હતો. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની બંદૂક, દારૂગોળો ભરેલી બે એલ્યુમિનિયમ બોટલ તેમજ હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કબજે કરી હતી. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.55 હજાર હોવાનું પોલીસે નોંધ્યું છે.

આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી)(એ) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ શા માટે કરવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.વી. કાતરીયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે ગેરકાયદેસર હથિયારોના સ્ત્રોત અને સંભવિત જોડાણો અંગે પણ તપાસ આગળ ધપાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande