
ભાવનગર, 01 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સોનપરી ગામમાં યુવા સરપંચ તુષારભાઈ મેર દ્વારા ગ્રામજનોના હિતમાં અનોખી અને સેવાભાવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગામના નાગરિકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ, રોજગાર તથા રોજિંદા કામકાજમાં સરળતા રહે તે હેતુથી આજીવન મફત ઝેરોક્ષ સેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિતની ઓનલાઈન અરજી નિઃશુલ્ક ભરી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આજના સમયમાં વિવિધ સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ તથા સ્કેનિંગ કરાવવા માટે વિદ્યાર્થીઓને ખર્ચ કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને ઘણીવાર આ કામગીરી માટે નજીકના શહેર સુધી જવું પડતું હોય છે. ત્યારે સોનપરી ગામમાં જ આ સુવિધા મળતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને રાહત મળી રહી છે.
આ સેવાનો લાભ ગામના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓને કોઈપણ ભેદભાવ વિના આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી ભરતી તથા અન્ય જરૂરી ઓનલાઈન પ્રક્રિયાના ફોર્મ પણ નિઃશુલ્ક ભરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સેવા પાછળ થતો સમગ્ર ખર્ચ સરપંચ તુષારભાઈ મેર પોતાના ખર્ચે ભોગવે છે. ગ્રામ પંચાયતના ભંડોળમાંથી કે લાભાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
સેવા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અનેક ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે. ખાસ કરીને રોજગારની તકો માટે ઓનલાઈન અરજી કરતા યુવાનો માટે આ સુવિધા ઉપયોગી બની રહી છે. ગ્રામજનો દ્વારા પણ યુવા સરપંચની આ પહેલને આવકારવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA