
ભાવનગર, 10 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં નાગરિકોને આરોગ્યલક્ષી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સિહોર શહેરના રામનગર-1 અને રામનગર-2 વિસ્તારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ કાઢી આપવાની નાઈટ સેશન કામગીરી યોજવામાં આવી હતી.
આ કામગીરીમાં અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા હેલ્થ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા વિસ્તારના નાગરિકોને આયુષ્માન કાર્ડ બનાવી આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિવસ દરમિયાન રોજગાર અને અન્ય કામગીરીને કારણે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી ન શકતા નાગરિકોને પણ યોજનાનો લાભ મળી રહે તેવા હેતુથી રાત્રિના સમયે આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ્માન કાર્ડ દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાનો લાભ મેળવવામાં સરળતા રહે છે. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારોને સારવાર સંબંધિત આર્થિક સહાયનો લાભ મળી રહે તે માટે કાર્ડ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સરકારી આરોગ્ય યોજનાઓ અંગે જાગૃત કરવા તેમજ પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ નાઈટ સેશન કામગીરીથી રામનગર-1 અને 2 વિસ્તારના નાગરિકોને આયુષ્માન કાર્ડ કઢાવવામાં સુવિધા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA