


પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)હારીજ ખાતે લોહાણા મહાજન સમાજની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સમાજના પ્રમુખ નિલેશભાઈ ઠક્કરે સૌનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વર્ષ દરમિયાન સમાજની આવક-જાવક અને ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ આગામી સમયમાં હાથ ધરાનારી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર સમાજસેવક જનકભાઈ ઠક્કરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત કરેલા વિવિધ એવોર્ડ દ્વારા સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિઓને બિરદાવવા સમાજ વતી તેમને શાલ ઓઢાડીને, પુષ્પહાર પહેરાવી અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ તેમની કામગીરીની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહમાં પ્રમુખ નિલેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ જનકભાઈ તન્ના, મંત્રી સોનપાલ જયંતિલાલ, સહમંત્રી અખાણી રમેશભાઈ, વર્ધિભાઈ ઠક્કર સહિત સમાજના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સભા અને સ્નેહમિલનના આ કાર્યક્રમમાં સમાજની એકતા, પરસ્પર સહકાર અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા સમાજના સભ્યો વચ્ચે સ્નેહ અને સંવાદની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ