
સુરત, 10 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના વેડરોડ વિસ્તારમાં ટેમ્પા અને ક્રેન વચ્ચે થયેલા ઘર્ષણને લઈને વિવાદ થતાં વેપારી પિતા-પુત્ર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. 7 ઓક્ટોબરની સાંજે ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરતા શુભમકુમાર દ્વિવેદી અને તેમના પિતા ગણેશપ્રસાદ કારખાનામાં હાજર હતા. તે દરમિયાન કારખાનાની બહાર પાર્ક કરેલા ટેમ્પા સાથે ક્રેન ઘસાતાં નુકસાન અંગે પૂછપરછ કરવા જતાં ક્રેનચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી શરૂ થઈ હતી.
ફરિયાદ મુજબ, વિવાદ વધતાં ક્રેનચાલક અને તેના પિતા કારખાનામાં ઘૂસી ગયા હતા અને બંને વેપારી પિતા-પુત્રને માર માર્યો હતો. શુભમકુમાર પોતાના પિતાને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ માર સહન કરવો પડ્યો હતો. આ દરમિયાન એક આરોપીએ લાકડાના ફટકાથી ગણેશપ્રસાદના માથા પર હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કતારગામની પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરોએ જતા સમયે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે શુભમકુમારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હુમલો, ગેરકાયદે પ્રવેશ, ઈજા પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આરોપો હેઠળ ગુનો નોંધી ક્રેનચાલક તથા તેના પિતાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ વાયરલ વીડિયોની મદદથી પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે