સાંતલપુરમાં રૂ. 8.78 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 34 સામે ગુનો
પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુરમાં કમિશનની લાલચ આપી સ્થાનિક લોકોના નામે બેંક ખાતાં ખોલાવી સાયબર ગઠિયાઓને ભાડે આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ ગુજરાત ગ્રામીણ બેંકની સાંતલપુર શાખાનાં
સાંતલપુરમાં રૂ. 8.78 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 34 સામે ગુનો


પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુરમાં કમિશનની લાલચ આપી સ્થાનિક લોકોના નામે બેંક ખાતાં ખોલાવી સાયબર ગઠિયાઓને ભાડે આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ ગુજરાત ગ્રામીણ બેંકની સાંતલપુર શાખાનાં ખાતાઓમાં રૂ. 8,78,07,191.15ના શંકાસ્પદ વ્યવહારો મામલે કુલ 34 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 27 ખાતાધારકોએ રૂ. 2,500થી રૂ. 10,000 સુધીનું કમિશન મેળવી પોતાના નામે બેંક ખાતાં ખોલાવી વચેટિયાઓને ભાડે આપ્યાં હતાં. વચેટિયાઓ આ ખાતાં દેશભરમાં સાયબર છેતરપિંડી કરતી ટોળકીઓને પહોંચાડતા હતા.

તપાસ દરમિયાન 29 મે 2026થી 27 ઓગસ્ટ 2026 દરમિયાન 27 મ્યુલ એકાઉન્ટમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયાનું બહાર આવ્યું હતું. આ ખાતાં સામે સમન્વય (SAMANVAYA) પોર્ટલ પર ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી 37 સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હતી. કેટલાક ખાતાં સાથે જોડાયેલા મોબાઈલ સિમકાર્ડ ગોવામાં કાર્યરત હોવાનું પણ જાણવા મળ્યું હતું.

સાયબર ક્રાઈમના વાયરલેસ PSI એસ. કે. દેસાઈની ફરિયાદના આધારે 27 ખાતાધારકો અને વચેટિયાઓ સહિત કુલ 34 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા IT એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીબેન એન. ચૌધરી કરી રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande