




- રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે નવીન ભવનનું ઉદ્ઘાટન, ગામના વિકાસ માટે રૂ.1 કરોડથી વધુની ફાળવણી.
- એટીવીટી હેઠળ વધુ રૂ.5 લાખની ગ્રાન્ટની જાહેરાત.
કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં અંજાર તાલુકાના મોટી નાગલપર ગામને નવી ભેટ મળી છે. ગામમાં અંદાજે રૂ.23.77 લાખના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક પંચાયત ભવનનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ભવનના નિર્માણથી ગ્રામજનોને પંચાયત સંબંધિત વિવિધ સરકારી સેવાઓનો લાભ હવે વધુ સુવિધાજનક રીતે મળી શકશે.
લોકાર્પણ સમારોહને સંબોધતાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગામડાંઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છેવાડાના નાગરિક સુધી વિકાસના લાભ પહોંચાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તેમણે ગામની એકતા અને સામૂહિક સહકારને મોટી નાગલપરની સાચી તાકાત ગણાવી હતી. પંચાયતના કર્મચારી અને ગામની દીકરીઓના હસ્તે નવા ભવનનું લોકાર્પણ કરાવીને તેમણે મહિલા સશક્તિકરણ અને સામાજિક સહભાગિતાનો સંદેશ પણ આપ્યો હતો.
રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. કચ્છમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે સ્વચ્છતા, ઘરેઘરે શૌચાલય, સ્થાનિક રોજગારી અને ડિજિટલ સેવાઓના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. નમો લક્ષ્મી સહિતની સરકારી યોજનાઓનો લાભ લઈને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પણ તેમણે વાલીઓને અપીલ કરી હતી.
નવા પંચાયત ભવનમાં તલાટી કચેરી, સરપંચ કચેરી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડિજિટલ વ્યવસ્થાના માધ્યમથી વિવિધ પ્રમાણપત્રો અને સરકારી સેવાઓ મેળવવામાં નાગરિકોનો સમય બચે છે. રાજ્યમંત્રીશ્રીએ અંજાર અને આસપાસના વિસ્તારો માટે ત્રણ નવી કોલેજની મંજૂરી તથા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જેવા પ્રકલ્પોને વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. મોટી નાગલપરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા એક કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યો માટે નાણાં ફાળવવામાં આવ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીએ નવા પંચાયત ભવનને પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે એટીવીટી યોજના હેઠળ ગામના વિકાસ માટે રૂ.5 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે સરપંચ જયેશ જેઠવા સહિત ગામના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા ભવનની જાળવણી કરી ગામના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા સૌને અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar