
ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.)આદિ શંકરાચાર્યની ચેતનાભૂમિ કાલડીમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ અંતર્ગત આયોજિત રામકથાના બીજા દિવસનો ભાવિક શ્રોતાઓએ લાભ લીધો હતો. વ્યાસપીઠ પરથી કથાગાન કરતાં મોરારિબાપુએ કહ્યું હતું કે, મન શુદ્ધ કે સ્થિર ભલે ન થાય, પરંતુ મનને ઈશ્વરમાં લગાવી દેવું જોઈએ.
ભારતવર્ષની વિશિષ્ટ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ અંતર્ગત મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન થઈ રહ્યું છે. યાત્રાના બીજા દિવસનો પડાવ આદિ શંકરાચાર્યની જન્મભૂમિ કાલડીમાં રહ્યો હતો. અહીં મોરારિબાપુએ આદિ શંકરાચાર્યજીની ચેતનાભૂમિને પ્રણામ કરી, પૂર્ણા નદી અને નવરાત્રિના પ્રથમ દિવસનો ઉલ્લેખ કરીને ભાવવંદના સાથે કથાનો પ્રારંભ કર્યો હતો.
કથાના પ્રવચન દરમિયાન તેમણે આધ્યાત્મિક ચિંતન રજૂ કરતાં જણાવ્યું હતું કે, અસ્તિત્વનું ક્યારેય અનાવરણ થતું નથી, કારણ કે તે આવરણમુક્ત જ છે. માત્ર તેની પ્રતીતિની પ્રતીક્ષા રહે છે.
વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ કાલડી અને તલગાજરડીને પ્રસ્થાનત્રયીના ભાવરૂપક તરીકે રજૂ કરીને ‘સત્ય’ને પ્રસ્થાનત્રયી, ‘પ્રેમ’ને ભગવદ્ ગીતા અને ‘કરુણા’ને ઉપનિષદ સાથે સાંકળ્યાં હતાં.
કાલડીમાં રામકથાનો લાભ લીધા બાદ કથાપ્રેમી ભાવિકો ત્રીજા દિવસની કથા માટે, બે ગાડીઓ દ્વારા આગામી પડાવ શૃંગેરી તીર્થસ્થાન તરફ પ્રસ્થાન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA