
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં મહિલા પોલીસકર્મી જીનલ બાબુભાઈ સોલંકી સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે એક્સિસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડિટ કાર્ડના ચાર્જ કપાતા અટકાવવાની લાલચ આપી તેમની પાસેથી ઓટીપી મેળવી લીધો હતો. ત્યારબાદ ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ પાંચ વ્યવહારો મારફતે કુલ ૮૦,૫૧૭ની રકમ ઉપાડી લેવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ, મહિલા પોલીસકર્મીને અજાણ્યા હિન્દીભાષી શખ્સે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી હતી. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડના ચાર્જ રદ કરવાની લાલચ આપી ફાઇલ મારફતે ઓટીપી મેળવી લેવામાં આવ્યો હતો. ઓટીપી આપ્યા બાદ તેમના મોબાઇલમાં અનધિકૃત પ્રક્રિયા શરૂ થઈ હતી અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા.
તા. ૨૬ સપ્ટેમ્બરથી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન પાંચ અલગ-અલગ વ્યવહારો મારફતે કુલ રૂ. ૮૦,૫૧૭ની ઠગાઈ કરવામાં આવી હતી. આ બનાવ અંગે મહિલા પોલીસકર્મીએ અગાઉ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગુરુવારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ નંબરધારકો તથા બેંક ખાતાધારકો સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt