
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર વયના કિશોરનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યાનો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. પરિવારજનોની શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં આખરે આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માંડાડુંગર વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષ અને ૬ મહિનાનો સગીર રવિવારે સવારે સાતેક વાગ્યે ઘરેથી 'હું કામે જાઉં છું' તેમ કહીને નીકળ્યો હતો. બપોરે ૧૨ વાગ્યા સુધી જમવા માટે ઘરે પરત ન આવતાં પરિવારજનોને ચિંતા થઈ હતી. જેથી મોટા ભાઈએ તેને ફોન કરતાં સગીરનો મોબાઈલ ફોન બંધ આવતો હતો.
મોબાઈલ બંધ આવતાં પરિવારજનોએ સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં તેની વ્યાપક તપાસ શરૂ કરી હતી. તેમ છતાં કોઈ પત્તો ન મળતાં મામા તથા પાડોશીઓ અને સગાં-સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. સાંજ સુધી તમામ શક્ય સ્થળોએ શોધાખોળ કરવા છતાં સગીરનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
અંતે પરિવારજનો આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગુમ થનાર સગીરે કાળા રંગનું શર્ટ અને બ્લુ જીન્સનું પેન્ટ પહેરેલું છે તથા પાતળા બાંધાનો અને ઘઉંવર્ણો વાન ધરાવે છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે લલચાવી-ફોસલાવીને અપહરણ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt