સુરતની સુમન હાઈસ્કૂલ ખાતે ‘નન્હી કિલકારી’ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અને નશામુક્તિ અંગે સંવાદ યોજાયો
સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત દ્વારા ‘નન્હી કિલકારી’ કાર્યક્રમ અંતર્ગત ઉધના સ્થિત સુમન હાઈસ્કૂલ નંબર-6 ખાતે વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અવેરનેસ સંવ
POCSO Act and de-addiction


સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત દ્વારા ‘નન્હી કિલકારી’ કાર્યક્રમ અંતર્ગત ઉધના સ્થિત સુમન હાઈસ્કૂલ નંબર-6 ખાતે વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અવેરનેસ સંવાદ તથા ‘નશામુક્ત ભારત’ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ રાકેશ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 17મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ. કે. ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ન્યાયાધીશ એ. કે. ભટ્ટ અને પૂર્ણકાલીન સચિવ રાકેશ ગુપ્તાએ વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની ગંભીરતા, બાળ સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમની મૂંઝવણો અને પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને જીવનમાં આવનારા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

પેરા લીગલ વોલન્ટિયર અને સામાજિક કાર્યકર દીપક જયસ્વાલે બાળકોને કોઈ મુશ્કેલ કે અસુરક્ષિત પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે ગભરાયા વિના ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક કરવા સમજાવ્યું હતું. તરુણાવસ્થામાં થતા માનસિક અને શારીરિક ફેરફારોને સકારાત્મક રીતે સ્વીકારી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલના એડવોકેટ તપન મોદીએ પોક્સો એક્ટની વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપી હતી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અજય જગતાપ અને વહીવટી અધિકારી અવિનાશ પાટીલે કાયદા હેઠળ નોંધાતી ફરિયાદો અને તેમાં રહેલી સજાની જોગવાઈઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પેરા લીગલ વોલન્ટિયર પ્રદીપ શિરસાઠે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કામગીરી અને ઉપલબ્ધ કાનૂની સહાય અંગે માહિતી આપી હતી.

શાળાના આચાર્ય મહેન્દ્ર ભાવિસ્કર અને આચાર્યા મતી કવિતાબેને નશામુક્તિના મહત્વ અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વ્યસનમુક્ત જીવન જીવવા માટે જાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકોએ પણ ન્યાયાધીશઓ સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન મેળવવાની તક મળી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તરુણાવસ્થામાં વિદ્યાર્થીઓને થતી મૂંઝવણોનું યોગ્ય માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવું, કાયદાકીય જાગૃતિ વધારવી, બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવો અને તેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande