ઓક્ટોબર મહિનામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બટાટાના પાકથી મેળવો ઊંચું ઉત્પાદન રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા બટાટાનો બજારમાં મળે છે ઉંચો ભાવ
જુનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) ઓક્ટોબર મહિનો એ શિયાળુ- રવિ શાકભાજીના વાવેતર માટે સૌથી અનુકૂળ સમય ગણાય છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂતો માટે બટાટા (Potato) નું વાવેતર કરવું એ અત્યંત નફાકારક સાબિત થઈ રહ્યું છે. ઓક્ટોબરના મ
ઓક્ટોબર મહિનામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બટાટાના પાકથી મેળવો ઊંચું ઉત્પાદન રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા બટાટાનો બજારમાં મળે છે ઉંચો ભાવ


જુનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) ઓક્ટોબર મહિનો એ શિયાળુ- રવિ શાકભાજીના વાવેતર માટે સૌથી અનુકૂળ સમય ગણાય છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂતો માટે બટાટા (Potato) નું વાવેતર કરવું એ અત્યંત નફાકારક સાબિત થઈ રહ્યું છે. ઓક્ટોબરના મધ્યથી અંત સુધી એટલે કે 15 થી 31 ઓકટોબર સુધીનું તાપમાન બટાટાના વાવેતર માટે ઉત્તમ ગણાય છે.

બટાટાના પાક માટે રેતાળ-ગોરાડુ અથવા હળવી જમીન સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ચોમાસુ પાક લીધા બાદ જમીનને 2-3 વખત ઊંડી ખેડીને રોટા વેટરથી જમીન પોચી અને ભુરભુરી બનાવવી. આખરી ખેડ વખતે એકર દીઠ 400 થી 500 કિલો ઘન જીવામૃત જમીનમાં ભેળવી દેવું.

બિયારણનું પ્રમાણ એકર દીઠ 600 થી 800 કિલો આંખો- અંકુર વાળા બટાટાની જરૂર પડે છે. વાવેતર કરતા પહેલા બટાટાના ટુકડા કે નાની ચિપ્સને બીજામૃતના દ્રાવણમાં 10-15 મિનિટ બોળીને રાખ્યા બાદ છાંયડામાં સૂકવીને વાવણી કરવી. આનાથી સડો, કાળી ફૂગ (Black Scurf) અને ઉગાવો નિષ્ફળ જવાની સમસ્યાઓ સામે 100 % રક્ષણ મળે છે.

બટાટાનું વાવેતર હંમેશાં બેડ/પાળી (Ridge and Furrow) બનાવીને કરવું. બે પાળી વચ્ચે 50 થી 60 સેમી (૨ ફૂટ) અને બે બટાટા વચ્ચે 15 થી 20 સેમી અંતર રાખી 2 થી 3 ઈંચ ઊંડે વાવેતર કરવું. બટાટાને જમીનના પ્રકાર મુજબ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. વાવેતર પછી તરત હળવું પિયત આપવું.

દર ૧૫ દિવસે એકર દીઠ ૨૦૦ લીટર જીવામૃત પિયતના પાણી સાથે આપવું અથવા પાંદડા પર પંપ વડે છંટકાવ કરવો. પાળી પર સૂકું ઘાસ કે પાકના અવશેષો ઢાંકવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને અળસિયાનો ઉપદ્રવ વધી બટાટાનો વિકાસ ઝડપી બને છે.

ચરમી (Blight) નો રોગ બટાટામાં જોવા મળે છે. જેમાં છોડના પાંદડા કાળા પડી સુકાઈ જવાના રોગ સામે ૧૫ દિવસ જૂની ખાટી છાશ ૧૫ લીટરના પંપમાં ૫૦૦ મિલી અથવા તામ્રયુક્ત છાશનો છંટકાવ કરવો. ચૂસિયા જીવાત, લીલા તડતડિયા/મોલો તેના બચાવ માટે નીમાસ્ત્ર અથવા અગ્નિઆસ્ત્રનો છંટકાવ કરવો.

બટાટાનો પાક ૯૦ થી ૧૧૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. પ્રાકૃતિક પદ્ધતિથી એકર દીઠ સરેરાશ ૧૦૦ થી ૧૫૦ ક્વિન્ટલ બટાટાનું ઉત્પાદન મળે છે. કેમિકલ ફ્રી પ્રાકૃતિક બટાટાની શહેરી વિસ્તારો અને ઓર્ગેનિક માર્કેટમાં ભારે માંગ હોય છે, જેથી સામાન્ય બટાટા કરતા ૨૫% થી ૩૦% વધુ ભાવ મળે છે.

ઓક્ટોબર મહિનામાં મધ્યભાગથી અંત ભાગ દરમિયાન પ્રાકૃતિક પદ્ધતિથી બટાટાનું વાવેતર કરી ખેડૂતો રાસાયણિક ખાતરોના ખર્ચમાંથી મુક્તિ મેળવી શકે છે અને દેશી ગાય આધારિત જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ કરીને સ્વસ્થ ઉત્પાદન મેળવી શકાય છે અને બમણી આવક મેળવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande