



કચ્છ, 15 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના નખત્રાણા તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ ૨૦૨૬-૨૭ની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવાર, તા. ૧૫ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ અને બ્લોક રિસોર્સ સેન્ટર, નખત્રાણાના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું આયોજન સુખપર (રોહા) પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશ રૂડાણી, નખત્રાણા તાલુકા પંચાયતનાં પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન બળિયા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સહિત વિવિધ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડાના પ્રતિનિધિ તરીકે મોહન ચાવડા પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્ય મહેમાન વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોનું ઢોલના રણકાર સાથે વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પુસ્તક અને સાલ અર્પણ કરવાની સાથે સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશ રૂડાણીએ પ્રાસંગિક ઉદબોધન કરી પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.
પ્રદર્શનમાં નખત્રાણા તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમની મહેનત, કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમને બિરદાવ્યો હતો. સાંસદ વિનોદ ચાવડા, દિનેશ રૂડાણી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના અધિકારીઓએ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદર્શનના અંતે ભાગ લેનાર તમામ શાળાઓને સ્મૃતિચિહ્ન અને બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં માર્ગદર્શક શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા સુખપર (રોહા) સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, નવીન વિચારસરણી અને સંશોધનાત્મક અભિગમ વિકસાવવાનું પ્રેરક માધ્યમ બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar