
રાજકોટ, 20 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન વાહન વેચાણમાં નોંધપાત્ર મંદી જોવા મળી છે. નવ દિવસ દરમિયાન શહેરમાં કુલ રૂ. ૭૫.૭૩ કરોડની કિંમતના ૩,૦૬૮ વાહનોનું વેચાણ થયું છે, જે ગત વર્ષની સરખામણીએ ૨૪ ટકા જેટલો માતબર ઘટાડો દર્શાવે છે. આ વેચાણથી રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચને વ્હીકલ ટેક્સ પેટે રૂ. ૧.૫૯ કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
ગત વર્ષની નવરાત્રી દરમિયાન જીએસટીમાં ઘટાડાનો લાભ મળવાના કારણે લોકોએ ઉત્સાહભેર ખરીદી કરી હતી, જેના લીધે તા. ૨૨થી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે રૂ. ૭૬.૦૨ કરોડની કિંમતના ૪,૦૫૪ વાહનો વેચાયા હતા. તેની સામે આ વર્ષે તા. ૧૧થી ૧૯ ઓક્ટોબર દરમિયાન ઓછો વરસાદ હોવા છતાં ગત વર્ષ કરતાં ૯૮૬ વાહનો ઓછાં વેચાયા છે. આમ, વાહનોની એકંદર સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
જોકે, દશેરાના શુભદિને ઓટોમોબાઇલ શો-રૂમ્સમાં ગ્રાહકોની સારી એવી ચહલપહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટવાસીઓએ આ વિજયાદશમીના પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં બપોર સુધીમાં જ ૫૦૦થી વધુ વાહનોની ખરીદી કરી હતી. આ સિવાય અનેક લોકોએ અગાઉથી બુક કરાવેલા વાહનોની ડિલિવરી પણ આ શુકનવંતા દિવસે મેળવી હતી.
નવરાત્રી દરમિયાન થયેલા વાહન વેચાણના આંકડા પર નજર કરીએ તો પેટ્રોલ ટુ-વ્હીલરનું સૌથી વધુ ૨,૪૭૮ યુનિટ્સ સાથે વર્ચસ્વ રહ્યું હતું. કાર (એલએમવી) કેટેગરીમાં ૧૬૯ પેટ્રોલ, ૧૫૯ સીએનજી અને ૬૮ ડીઝલ કાર વેચાઈ હતી. આ ઉપરાંત, થ્રી-વ્હીલર પેસેન્જર સીએનજી ૧૧૫ તથા સીએનજી ટુ-વ્હીલર ૬ વેચાયા હતા. કોમર્શિયલ અને અન્ય કેટેગરીમાં પણ વિવિધ વાહનોનું મર્યાદિત વેચાણ નોંધાયું હતું.
નોંધનીય છે કે વાહન વેચાણના આ તમામ આંકડા માત્ર રાજકોટ શહેર વિસ્તારમાં થયેલા વેચાણ અને રાજકોટના સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી ખરીદીના જ છે. એકંદરે જીએસટી લાભનો અભાવ અને આર્થિક પરિબળોને કારણે આ વર્ષે નવરાત્રીના તહેવારોમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ધાર્યા મુજબની તેજી જોવા મળી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt