ભાઈબીજ પર 11 નવેમ્બરના રોજ, શિયાળા માટે બંધ થશે યમુનોત્રી ધામના કપાટ
ગંગોત્રી ધામના કપાટ 10 નવેમ્બરના રોજ, અન્નકૂટ પર્વ પર શિયાળા માટે બંધ થશે ઉત્તરકાશી, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વ પ્રસિદ્ધ યમુનોત્રી ધામના કપાટ આગામી 11 નવેમ્બરના રોજ ભાઈબીજના પવિત્ર પર્વ પર શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે. મંગળવારે વિજય
ગંગોત્રી


-ગંગોત્રી ધામના કપાટ 10 નવેમ્બરના રોજ, અન્નકૂટ પર્વ પર શિયાળા માટે બંધ થશે

ઉત્તરકાશી, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વ પ્રસિદ્ધ યમુનોત્રી ધામના કપાટ આગામી 11 નવેમ્બરના રોજ ભાઈબીજના પવિત્ર પર્વ પર શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે. મંગળવારે વિજયા દશમીના અવસર પર યમુનોત્રી મંદિર સમિતિએ, વૈદિક પંચાંગ અનુસાર કપાટ બંધ કરવા માટેનો શુભ મુહૂર્ત નક્કી કર્યો. આ સાથે જ યમુનોત્રી ધામની આ વર્ષની ચારધામ યાત્રાના સમાપ્તિની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

યમુનોત્રી મંદિર સમિતિ અનુસાર, બુધવાર 11 નવેમ્બર 2026ના રોજ શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ, અનુરાધા નક્ષત્ર, સૌમ્ય યોગ અને ધનુ લગ્નમાં સવારે 10:28 વાગ્યે મા યમુનાના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે શિયાળા માટે બંધ કરવામાં આવશે. ભાઈબીજના અવસર પર કપાટ બંધ થયા પછી મા યમુનાની ઉત્સવ ડોલી પરંપરાગત રીતિ-રિવાજો સાથે તેમના શિયાળાના નિવાસસ્થાન ખરસાલી માટે રવાના થશે. શિયાળામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ખરસાલી સ્થિત મા યમુનાના મંદિરમાં મા યમુનાના દર્શન કરી શકશે.

બીજી તરફ ગંગોત્રી ધામના કપાટ બંધ થવાની તારીખ પહેલાથી જ જાહેર થઈ ચૂકી છે. ગંગોત્રી ધામના કપાટ 10 નવેમ્બરના રોજ અન્નકૂટ પર્વ પર વિધિ-વિધાનથી પૂજા-અર્ચના પછી બપોરે 12:05 વાગ્યે શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે. આ જ દિવસે મા ગંગાની ઉત્સવ ડોલી મુખબા ગામ માટે રવાના થશે. ડોલી ચંડી મંદિરમાં, રાત્રિ વિશ્રામ કરશે અને બીજા દિવસે 11 નવેમ્બરના રોજ ભાઈબીજ પર મુખબા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ આગામી છ મહિના સુધી દર્શન અને પૂજન કરી શકશે.

યમુનોત્રી ધામના કપાટ બંધ થવાના અવસર પર યમુનોત્રી મંદિરના સચિવ સુનીલ ઉનિયાલ, પ્રવક્તા પુરુષોત્તમ ઉનિયાલ, કોષાધ્યક્ષ પ્રદીપ ઉનિયાલ, પંચ પડા સમિતિના સચિવ ગિરીશ ઉનિયાલ, મનમોહન ઉનિયાલ વગેરે ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / સુરેન્દ્ર નૌટિયાલ / રાજેશ કુમાર પાંડે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande