
દહેરાદૂન, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). શ્રી કેદારનાથ ધામના કપાટ, આગામી 11 નવેમ્બરના રોજ શિયાળા માટે બંધ કરવામાં આવશે. વર્તમાનમાં યાત્રા વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. છેલ્લા એક સપ્તાહથી હવામાન અનુકૂળ રહેવાને કારણે યાત્રા વ્યવસ્થાઓ સામાન્ય બની રહી છે. હેલી સેવાઓનું સંચાલન પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાધિકારી રુદ્રપ્રયાગ વિશાલ મિશ્રાએ જણાવ્યું કે, આ વર્ષની યાત્રામાં અત્યાર સુધીમાં 17,75,059 શ્રદ્ધાળુઓ શ્રી કેદારનાથ ધામ પહોંચીને બાબાના દર્શન કરી ચૂક્યા છે.
જિલ્લા પ્રશાસનનો પ્રયાસ છે કે, યાત્રાના બાકીના દિવસોમાં પણ દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને સતત સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની યાત્રા સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બની રહે. તેમણે જણાવ્યું કે ધામમાં હળવી બરફવર્ષા થવાની સાથે જ તાપમાનમાં પણ સતત ઘટાડો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓને હવામાનને અનુરૂપ આવશ્યક તૈયારીઓ સાથે યાત્રા કરવાની જરૂર છે.
તેમણે તમામ તીર્થયાત્રીઓને અપીલ કરી કે, શ્રી કેદારનાથ ધામની યાત્રા પર આવતા પહેલા હવામાનની જાણકારી અવશ્ય મેળવે અને પૂરતા ગરમ કપડાં, આવશ્યક સામગ્રી અને પોતાની જરૂરિયાતની દવાઓ સાથે લઈને આવે. તેમણે કહ્યું કે, જિલ્લા પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યાત્રા કરે અને પ્રશાસન દ્વારા જારી કરાયેલા દિશા-નિર્દેશોનું પાલન કરે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વિનોદ પોખરિયાલ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ