
જુનાગઢ,23 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢના ચોકી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર, ચોકી દ્વારા તમાકુ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગામમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારોને સગીરોને તમાકુની બનાવટોનું વેચાણ નહીં કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ દુકાનો પર આ અંગેના જાગૃતિ સ્ટીકર લગાવવા અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 મીટરના વિસ્તારમાં તમાકુની બનાવટોનું વેચાણ નહીં કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
ડ્રાઇવ દરમિયાન દુકાનદારોને તમાકુ નિયંત્રણ કાયદા અંગે જરૂરી માહિતી આપી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોને તમાકુની બનાવટોનું વેચાણ ન થાય તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ચોકી પે-સેન્ટર શાળા ખાતે ‘તમાકુ મુક્ત શાળા’ અંગેનું જાગૃતિ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. શાળામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી તથા તમાકુનું સેવન નહીં કરવા અને અન્ય લોકોને પણ તમાકુથી દૂર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ ડ્રાઈવ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જી.કે. ચાવડાના માર્ગદર્શન અનુસાર તાલુકા હેલ્થ સુપરવાઇઝર પી.એમ. શેખાત, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ડી.એન. વાઘેલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વી.એમ. કરમટા દ્વારા હાથ ધરાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ