

કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : ભુજની ભાગોળે નાગોર-ત્રંબો રોડ પર ગેરકાયદે રેતીના વ્યવસાય સામે તપાસ કરવા પહોંચેલી ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. રેતી ભરેલી ટ્રકમાંથી ગેરકાયદે રેતી ખાલી કરવામાં આવતી હોવાની જાણ થતાં તપાસ માટે પહોંચેલી ટીમે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ટ્રકચાલક અને તેની સાથે રહેલા શખ્સોએ ઉગ્ર વલણ અપનાવી પાવડા વડે ટીમ પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ભુજ નજીક નાગોર-ત્રંબો રોડ પર ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમ ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન એક ટ્રકમાંથી રેતી ખાલી કરવામાં આવતી હોવાનું ટીમના ધ્યાન પર આવ્યું હતું. રેતી ખાલી કરવાની કામગીરી શંકાસ્પદ જણાતાં ટીમે સ્થળ પર પહોંચીને ટ્રકચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તપાસ અને કાર્યવાહીથી બચવા માટે ટ્રકચાલક તથા તેની સાથે રહેલા અન્ય શખ્સોએ વિરોધ શરૂ કર્યો હતો.
પરિસ્થિતિ વધુ વણસતાં શખ્સોએ પાવડા વડે ફ્લાઈંગ સ્ક્વૉડના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. સરકારી ફરજ બજાવી રહેલી ટીમને નિશાન બનાવવામાં આવતાં ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેરકાયદે રેતીના વહન અને ખાલી કરવાની પ્રવૃત્તિ સામે તપાસ કરવા પહોંચેલી ટીમે અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન પોલીસથી બચવા માટે ટ્રકને ઝડપથી ભગાડવામાં આવી હતી. પૂરઝડપે દોડતી ટ્રક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં ટ્રક રસ્તા પર પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ટ્રક પલટી ગયા બાદ પણ તેમાં સવાર અથવા હુમલામાં સંડોવાયેલા શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પલટી ગયેલી ટ્રક કબજે લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હુમલામાં કોણ કોણ સામેલ હતું, રેતી ક્યાંથી લાવવામાં આવી હતી અને ગેરકાયદે રેતી ખાલી કરવાની પ્રવૃત્તિ પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ તપાસના વિષય બન્યા છે.
ભુજ નજીક બનેલી આ ઘટનાએ ગેરકાયદે રેતીના વેપાર સામે કાર્યવાહી કરવા જતી ટીમોની સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો કર્યો છે. હવે પોલીસ તપાસમાં હુમલાખોરોની ઓળખ અને ગેરકાયદે રેતીના કારોબાર અંગે કઈ વિગતો બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar