કચ્છમાં 30 ઓક્ટોબરે ‘પીએમ કિસાન દિવસ’: ખેડૂતોના ખાતામાં આવશે 24મા હપ્તાની સહાય
ભુજ ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં આયોજનની સમીક્ષા, બનાસકાંઠાથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે : જિલ્લામાં 77 સ્થળોએ કાર્યક્રમો કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને કૃષિ ક્ષેત્ર સાથે સંક
કલેકટર કચેરી એ સમીક્ષા બેઠક યોજાઈ


કલેકટર કચેરી એ સમીક્ષા બેઠક યોજાઈ


ભુજ ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં આયોજનની સમીક્ષા, બનાસકાંઠાથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે : જિલ્લામાં 77 સ્થળોએ કાર્યક્રમો

કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાના હેતુથી આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ કચ્છ જિલ્લામાં ‘પીએમ કિસાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે સમગ્ર જિલ્લામાં કુલ 77 સ્થળોએ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો હતો.

આ દિવસની વિશેષતા એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી ભારત બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો 24મો હપ્તો દેશભરના પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરાવવાનો કાર્યક્રમ પણ નિર્ધારિત છે. કચ્છના વિવિધ સ્થળોએથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવશે.

જિલ્લામાં કાર્યક્રમોના આયોજનની વિગતો મુજબ એક જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે, જ્યારે 38 પંચાયત બેઠકો દીઠ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, કુલ 77 સ્થળોએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને એકત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં કૃષિ, બાગાયત, પશુપાલન, સહકારી સંસ્થાઓ, આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો તેમજ પંચાયત વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ભાગ લેશે.

કલેક્ટર અનિલ રાણાવસિયાએ અધિકારીઓને કાર્યક્રમનું આયોજન સરકારની માર્ગદર્શિકા અને નિર્ધારિત સમયપત્રક મુજબ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થળની પસંદગી, ખેડૂતોની હાજરી, બેઠક વ્યવસ્થા, લાઈવ ટેલિકાસ્ટ માટેની સુવિધા, લોકભાગીદારી, વાહન પાર્કિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકાકક્ષાના નોડલ અધિકારીઓ પાસેથી તૈયારીઓ અંગે વિગતો મેળવીને કામગીરી સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન અપાયું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ પ્રેઝન્ટેશન દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાકક્ષાથી લઈને પંચાયત બેઠક સુધી યોજાનારા આ કાર્યક્રમોમાં પ્રભારીમંત્રી, રાજ્યમંત્રી, સાંસદ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande