
પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : ઓમાન દેશમાં આવેલી લાઇમસ્ટોનની ખાણમાં ભાગીદારીમાં ધંધો કરવાના નામે પોરબંદરના 76 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે રૂ.1.50 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઓમાનમાં ખાણ બતાવી રોકાણ કરાવ્યા બાદ નક્કી થયા મુજબનો વ્યવસાય ન કરી, નાણાં પરત આપવાના બદલે રૂ. 1.74 કરોડના ચાર ચેક આપ્યા હોવાનું અને આ તમામ ચેક બાઉન્સ થતાં વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પોરબંદરના સ્ટેશન રોડ પર પ્રભુકૃપા બિલ્ડિંગમાં રહેતા ભરતકુમાર પ્રભુદાસ માખેચા (ઉંમર 76, નિવૃત્ત) એ હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં રહેતા અશ્વિન વેમુરી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઓમાન દેશમાં આવેલી લાઇમસ્ટોનની ખાણના દસ્તાવેજો બતાવી ફરિયાદીને ભાગીદારીમાં વ્યવસાય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ફરિયાદીને ઓમાન લઈ જઈ ખાણ બતાવવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ. 1.50 કરોડ લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, ભાગીદારીના વ્યવસાય માટે નક્કી કરવામાં આવેલી શરતો અનુસાર આરોપીએ કોઈ કામગીરી કરી ન હતી. બાદમાં નાણાં પરત આપવા અંગે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું અને રૂ. 1.50 કરોડના બદલામાં રૂ. 1.74 કરોડના ચાર ચેક આપવામાં આવ્યા હતા. જોકે, ચારેય
ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ નાણાં પરત ન મળવા અને વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કર્યો છે.
આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદમાં દર્શાવાયેલી વિગતોના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya