
પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરમાં ગોલ્ડ લોનમાં ગીરવે મુકેલુ સોનુ વેચવા મામલે રૂ. 11.05 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ કમલાબાગ પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, આરોપીએ ઇન્ડેલમની બ્રાન્ચમાં ગીરવે મૂકેલા 99 ગ્રામ 700 મિલિગ્રામ સોનાના દાગીના વેચવાના હોવાનું જણાવી લોન ભરવાના બહાને ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યાં હતાં. સુરતના મનમોહન સોસાયટી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ નેમીચંદજી સોની (ઉં.વ. 44)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભેટકડી ગામે રહેતા આરોપી રાજુભાઈ મુરૂભાઈ ઓડેદરાએ સોનાની લોન ભરવાના બહાને તેમની પાસેથી નાણાં મેળવ્યાં હતાં.
આરોપીએ પોતાના બેંક ખાતામાં ફરિયાદી પાસેથી રૂ. 9.50 લાખ રોકડા જમા કરાવ્યા હતા. ઉપરાંત, ફરિયાદીના બેંક ખાતા માંથી યોનોએપ્લિકેશન મારફતે અન્ય ખાતામાંરૂ. 1.55 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, કુલ
રૂ.11.05 લાખની રકમ મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, નાણાં મેળવ્યા બાદ આરોપીએ ઇન્ડેલ મની ફાઇનાન્સમાં રહેલું સોનું ફરિયાદીને પરત આપ્યું નહોતું અને નાસી ગયો હતો. ત્યારે આ મામલે કમલાબાગ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya